કેનેડાથી મળ્યા ગુડ ન્યુઝ
મૂસેવાલાના હત્યારા ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા અને ગોલ્ડી બ્રારને ભારતને સોંપાશે!

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત સાથે સર્જાયેલા આંતરરાષ્ટ્રીય વિવાદ વચ્ચે કેનેડાથી સારા સમાચાર આવ્યા છે. એવી અપેક્ષા છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનાર ગોલ્ડી બ્રારને ભારતને સોંપશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નજીકના સાંસદ સુખમિંદર ઉર્ફે સુખ સિંહ ધાલીવાલે આ ખાતરી આપી છે. જોકે, નિજ્જર કેસ બાદ કેનેડા પર આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ પર તેમણે સ્પષ્ટતા કરી નથી કે તેઓ ખાલિસ્તાનને સમર્થન કરે છે કે વિરોધ કરે છે.
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને ‘તમામ મદદ’ કરવાની ખાતરી આપ્યા બાદ, લિબરલ પાર્ટીના સંસદસભ્ય અને જસ્ટિન ટ્રુડોના નજીકના મનાતા સુખમિંદર ઉર્ફે સુખ સિંહ ધાલીવાલએ પુનરોચ્ચાર કર્યો છે કે સરકાર તેમના નાગરિકો પરના કોઈપણ હુમલાને સહન નહીં કરે. આ મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ 18 જૂનના રોજ સરેના ધાલીવાલ સંસદીય મતવિસ્તારમાં ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાન તરફી નેતા નિજ્જરની હત્યામાં ‘વિદેશી એજન્ટો’ની સંડોવણી હોવાનો દાવો કર્યા પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ફાટી નીકળ્યો હતો.
ત્યારથી, બંને દેશોએ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને કેટલાક વિઝા નિયંત્રણો લાદ્યા છે. ધાલીવાલે અગાઉ કહ્યું હતું કે ભારત અને કેનેડાના ‘સારા સંબંધો’ છે. તેમણે કહ્યું હતું કે ટ્રુડો પાસે “વિશ્વસનીય માહિતી અને પુરાવા છે.” ગયા મહિને, નવી દિલ્હીમાં G-20 સમિટમાંથી પાછા ફર્યા પછી, તેમણે નિજ્જરની હત્યા પર સંસદને સંબોધિત કરી હતી અને તેમાં ‘વિદેશી એજન્ટો’ની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો.
ધાલીવાલે કહ્યું હતું કે ‘કાયદા અમલીકરણ એજન્સીઓ પાસે પૂરતા પુરાવા છે, જેના કારણે ટ્રુડોને આ નિવેદન આપવું પડ્યું હતું. હું ચોક્કસપણે કહી શકું છું કે વડા પ્રધાન ટ્રુડો જ્યારે નિવેદન આપે છે ત્યારે તેઓ કોઈ પુરાવા વિના આ કરતા નથી. જોકે, નવી દિલ્હીના આગ્રહ છતાં, કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યા પછી હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેનેડિયન પોલીસ પાસે આ કેસમાં કોઈ એફઆઈઆર અથવા શંકાસ્પદ લોકોની સૂચિ છે, તો ધાલીવાલે કહ્યું કે સમય જ કહેશે. આ સમયે હું કહી શકું છું કે કેનેડામાં ન્યાયિક વ્યવસ્થા ખૂબ જ ન્યાયી છે.