કેનેડામાં વિમાન હાઇજેક થતા ખળભળાટ, અમેરિકાએ ફાઇટર જેટ રવાના કર્યા; જાણો પછી શું થયું
ઇન્ટરનેશનલ

કેનેડામાં વિમાન હાઇજેક થતા ખળભળાટ, અમેરિકાએ ફાઇટર જેટ રવાના કર્યા; જાણો પછી શું થયું

ઓટાવા: એવિએશન સેક્ટર છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. એવામાં કેનેડાના વાનકુવર આઇલેન્ડ પ્રદેશમાંથી વિમાન હાઇજેક થઇ જતાં ખળભળાટ (Plane hijack in Canada) મચી ગયો હતો. એક નાનું વિમાન વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું ત્યારે હાઈજેક થઇ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે વાનકુવર એરપોર્ટ પર ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, નવ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.

વિમાન હાઈજેક થવાની જાણકારી મળતા જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ F-15 ફાઈટર જેટ્સ રવાના કર્યા હતાં. થોડા સમય બાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું અને કોઈ જાનહાની થઇ ન હતી.

આરોપીની ધરપકડ:
કેનેડાની ફેડરલ એજન્સીએ બ્રિટિશ કોલંબિયામાં વિમાનને હાઇજેક કરવાના આરોપમાં 39 વર્ષીય શાહીર કાસિમ નામના શખ્સની ધરપકડ કરી છે. કોર્ટે તેના મંગળવાર સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. આતંકવાદના એન્ગલથી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હાઈજેક થયેલું વિમાનનું વિક્ટોરિયાના એક ફ્લાઈંગ ક્લબનું સેસ્ના-172 હતું, જેમાં માત્ર પાઈલોટ અને આરોપી જ સવાર હતાં. ઓનલાઈન વાયરલ થયેલા ફોટોમાં જોવા મળે છે કેટલાક પોલીસ અધિકારીઓ આરોપીને ઘેરીને વિમાન પાસે ઉભા છે.

આતંકવાદ કે ક્લાઈમેટ એક્ટિવિઝમ:
પોલીસ અધિકારીઓને આપેલી માહિતી મુજબ આરોપીએ વિક્ટોરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરને ધમકી આપી અને વિમાન હાઇજેક કર્યું. વિમાન લગભગ 64 કિલોમીટર વાનકુવર સુધી ઉડતું રહ્યું. એર ટ્રાફિકને ખોરવવાના ઈરાદે આ આરોપીએ આ પગલું ભર્યું હતું.

અહેવાલ મુજબ હાઇજેકરે કાસીમે પોતાને અલ્લાહનો દૂત ગણાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે માનવજાતને ક્લાઈમેટ ચેન્જથી બચાવવા માટે તેને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે. કાસિમ વર્ષ 2008 થી 2010 સુધી કેડી એર નામની એક એરલાઈનમાં પાઈલટ તરીકે કામ કરી ચુક્યો છે, જે હવે બંધ થઇ ગઈ છે. કાસિમ એરલાઇન છોડીને મેડિકલના અભ્યાસ માટે ગયો હતો, જ્યાં તેનું મન ના લાગ્યું.

આરોપીના મિત્રોના જણાવ્યા મુજબ કાસિમ માનતો ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાનો અંત આવી રહ્યો છે. 2012માં કાસિમ ગ્લોબલ વોર્મિંગ વિશે જાગૃતિ લાવવા માટે દેશભરમાં સાયકલ પ્રવાસ પર નીકળ્યો હતો જે તેને કોઈ વિઘ્ન વિના પૂર્ણ કરી હતી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button