ઇન્ટરનેશનલનેશનલ

સાઉદી અરેબિયામાં ગોઝારો બસ અકસ્માત; તેલંગાણાના 42 લોકોનાં મોત, મુખ્ય પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

રિયાધ: સાઉદી અરેબિયાનાં મદીના નજીક પેસેન્જરોથી ભરેલી એક બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઉમરાહ યાત્રાએ જઈ રહેલા 42 ભારતીય નાગરીકો લોકોના મોત થયા છે, તમામ મૃતકો તેલંગણાના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઈમરજન્સી ટીમો રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

તેલંગાણા રાજ્ય સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક સત્તાવાર નિવેદનમાં સરકારે જણાવ્યું કે અધિકારીઓ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. મુખ્ય પ્રધાન રેડ્ડીએ કેન્દ્રીય અધિકારીઓને દૂતાવાસના અધિકારીઓ સાથે નજીકથી સંકલન કરવા સૂચના આપી છે.

તેલંગાણા મુખ્ય પ્રધાન કાર્યાલયએ X પર કરેલી પોસ્ટ મુજબ મુખ્ય પ્રધાન રેડ્ડીએ મુખ્ય સચિવ અને ડીજીપીને સંપૂર્ણ વિગતો મેળવવા નિર્દેશ આપ્યો, તેમણે વિદેશ મંત્રાલય અને સાઉદી દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરવા અને તાત્કાલિક જરૂરી રાહત પગલાં લેવામાં આદેશ આપ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ કે. રામકૃષ્ણ રાવે તાત્કાલિક દિલ્હીમાં અધિકારીઓ સાથે વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી છે. પરિવારો અને સંબંધીઓને માહિતી પૂરી પાડવા માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.

તેલંગાણાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન ડી શ્રીધર બાબુએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો મુજબ આ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 16થી વધુ હૈદરાબાદના રહેવાસી હતા. અધિકારીઓ હજુ પણ મૃતકોની ઓળખ કરી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસી સક્રિય થયા:
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે 42 હજ યાત્રાળુઓ સાથે મક્કાથી મદીના જઈ રહેલી બસનો અકસ્માત થતા આગમાં લપેટાઈ હતી. તેમણે કેન્દ્ર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

ઓવૈસીના જણાવ્યા મુજબ તેમણે રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સંપર્ક કર્ય હતો, તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ઓવૈસીએ તેમણે હૈદરાબાદ સ્થિત બે ટ્રાવેલ એજન્સીઓ સાથે પણ વાતચીત કરી હતી અને મુસાફરોની વિગતો રિયાધ દૂતાવાસ અને ભારતના વિદેશ સચિવને મોકલી હતી.

આપણ વાંચો:  પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળનો આક્રમક ડ્રગ્સ વિરોધી હુમલો: 3નાં મોત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button