બ્રિટનના રાજા ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુને શાહી પરિવારમાંથી દૂર કર્યા; જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

લંડન: બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ તેમના નાના ભાઈ એન્ડ્રુ પાસેથી રાજકુમારનું બિરુદ પાછું લીધું છે અને તેમને તેમના વિન્ડસર સ્થિત નિવાસસ્થાનમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. યુએસમાં બહુ ચર્ચિત જેફરી એપસ્ટેઇન સેક્સ સ્કેન્ડલમાં પ્રિન્સ એન્ડ્રુની સંડોવણીના અહેવાલો જાહેર થતા હોબાળો મચી ગયો હતો, બ્રિટનનો શાહી પરિવાર શરમમાં મુકાયો હતો.
65 વર્ષીય એન્ડ્રુ રાજા ચાર્લ્સના નાના ભાઈ છે અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથના બીજા પુત્ર છે. એપ્સ્ટેઇન સાથે એન્ડ્રુના ગાઢ સંબંધો હોવાનું જહેર થયા બાદ તેમને બ્રિટનના રાજપરિવારથી દુર કરવા દબાણ સતત વધી રહ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં તેમની પાસેથી ડ્યુક ઓફ યોર્કનું બિરુદ પર છીનવી લેવામાં આવ્યું હતું.
બ્રિટનના રાજ પરિવારના સત્તાવાર નિવાસ બકિંગહામ પેલેસના જણવ્યા મુજબ રાજા ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુની શૈલી, પદવીઓ અને સન્માનો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
બકિંગહામ પેલેસે શું કહ્યું:
બકિંગહામ પેલેસે નિવેદનમાં જણાવ્યું કે છે કે, “પ્રિન્સ એન્ડ્રુને હવે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર તરીકે ઓળખવામાં આવશે. રોયલ લોજ ખાતે તેમને લીઝ પર રહેવા માટે કાયદાકીય રક્ષણ મળ્યું હતું, હવે લીઝ પાછી ખેંચવા માટે સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓ ખાનગી રહેઠાણમાં રહેવા જશે.”
બકિંગહામ પેલેસે જણાવ્યું કે ભલે પ્રિન્સ એન્ડ્રુએ તેમના વિરુદ્ધના આરોપોને નકારી કાઢ્યા હોય, પણ આ નિંદા જરૂરી માનવામાં આવે છે. રાજાએ સ્પષ્ટ કરવા ઈચ્છે છે તેમની ભાવના અને સહાનુભૂતિ કોઈપણના દુર્વ્યવહારના પીડિતો પ્રત્યે રહી છે અને રહેશે.
એન્ડ્રુની દીકરીઓને શાહી પદવીઓ મળશે:
અહેવાલ મુજબ રાજાના આ પદવીઓ દૂર કરવાના નિર્ણય સામે એન્ડ્રુએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. એન્ડ્રુ સાથે તેમની ભૂતપૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસન સાથે રોયલ લોજ છોડીને જશે. 1996માં બંને વચ્ચે છૂટાછેડા તહી ગયા હતાં, પરંતુ હજુ બંને એક જ નિવાસસ્થાનમાં રહેતા હતાં.
બકિંગહામ પેલેસે એમ પણ જણાવ્યું કે એન્ડ્રુની દીકરીઓ પ્રિન્સેસ યુજેની અને પ્રિન્સેસ બીટ્રિસની શાહી પદવી પહેલા મુજબ જ રહેશે.
તાજેતરમાં બ્રિટીશ અખબારોમાં એવા અહેવાલો પણ પ્રકાશિત થયા હતાં કે એન્ડ્રુએ બે દાયકાથી તેની 30 રૂમના વિન્ડસર નિવાસ સ્થાનનું ભાડું ચૂકવ્યું નથી.
 
 
 
 


