આ દેશના દરિયાકાંઠે બોટ પલટી જતાં મોટી દુર્ઘટના, 68નાં મોત અને 74 ગુમ

સના: યમનના દરિયાકાંઠા નજીક ગલ્ફ ઓફ એડનમાં આફ્રિકન માઇગ્રન્ટ્સને લઇને જઈ રહેલી એક બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહેવાલ મુજબ બોટ પલટી જતાં 68 આફ્રિકન માઇગ્રન્ટ્સના મોત થયા છે, જ્યારે 74 હજુ પણ ગુમ (Bot turned in near Yemen) છે. યુનાઇટેડ નેશન્સની માઈગ્રેશન એજન્સી ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ આ ઘટના અંગે જાણકારી આપી છે.
મૃતદેહો તણાઈને દરિયાકાઠે આવ્યા:
IOM ના વડા અબ્દુસત્તોર એસોવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 154 ઇથોપિયન માઇગ્રન્ટ્સને લઇને જઈ રહેલું જહાજ યમનના અબ્યાન પ્રાંત નજીક એડનના અખાતમાં ડૂબી ગયું હતું. 54 મૃતદેહ ખાનફર જિલ્લામાં દરિયા કિનારે તણાઈને આવ્યા હતા. યમનના દક્ષિણ કિનારે આવેલા અબ્યાનની પ્રાંતીય રાજધાની ઝિંજીબારમાં 14 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા.
એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટનામાં 12 માઇગ્રન્ટ્સનો આબાદ બચાવ થયો છે, જ્યારે બાકીના મુસાફરો હજુ પણ ગુમ છે. જોકે તેમના જીવિત હોવાની સંભાવના નહીવત છે, તેમને મૃત માનવામાં આવી રહ્યા છે.
સ્થાનિક સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ ઘટનામાં મૃતકો અને ગુમ થયેલા માઇગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે મૃતદેહો પથરાયેલા મળી આવ્યા છે.
લાખોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ અરબ દેશોમાં પહોંચી રહ્યા છે;
પૂર્વ આફ્રિકા અને હોર્ન ઓફ આફ્રિકાના દેશોમાંથી લોકો અરબ દેશોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે યમન મુખ્ય માર્ગ છે. દાણચોરો આ માઇગ્રન્ટ્સ ઘણીવાર ખતરનાક, ભીડભાડવાળી બોટમાં લાલ સમુદ્ર અથવા એડનના અખાતમાં લઈ જાય છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બને છે.
IOM ના જણાવ્યા અનુસાર તાજેતરના મહિનાઓમાં બોટ પલટી જતાં યમનમાં સેંકડો માઇગ્રન્ટ્સના મોત થયા છે અથવા ગુમ થયા છે, જેમાં માર્ચમાં યમન અને જીબુટીમાં ચાર બોટ પલટી જતાં બે માઇગ્રન્ટ્સના મોત થયા હતાં અને 186 અન્ય ગુમ થઇ ગયા હતાં.
માર્ચમાં IOMએ આપેલા અહેવાલ મુજબ, અવર્સ 2024માં યમનમાં 60,000 થી વધુ માઇગ્રન્ટ્સ પહોંચ્યા હતાં, જ્યારે વર્ષ 2023માં 97,200 થી માઇગ્રન્ટ્સ પહોંચ્યા હતાં..
આ પણ વાંચો…યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરાઈ? ડૉક્ટર પૌલનો મોટો દાવો