બાલી નજીક હોડી દુર્ઘટના: 31 બચાવ્યા, ગુમ લોકોની શોધખોળ ચાલુ

ગિલિમાંકઃ ઇન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલી નજીક ગત રાત્રે એક હોડી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા બાદ ગુમ થયેલા 31 લોકોની બચાવ દળો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.
રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે ગુરૂવાર બપોર સુધીમાં હોડીના 53 પ્રવાસી અને 12 ક્રૂ સભ્યમાંથી 31ને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેએમપી ટુનુ પ્રતામા જયા બુધવારે મોડી રાત્રે પૂર્વ જાવા શહેર બાન્યુવાંગીના કેતાપાંગ બંદરથી બાલીના ગિલિમાનુક બંદર માટે 50 કિમીની મુસાફરી પર નીકળ્યાના લગભગ અડધા કલાક પછી ડૂબી ગયું હતું.
આ પણ વાંચો: બિહારથી ઝારખંડ જતી હોડી ગંગા નદીમાં પલટી, 7 લોકોના મૃત્યુ…
એક હેલિકોપ્ટર અને નવ બોટ દ્વારા માછીમારો અને કિનારા પર રહેલા લોકોની મદદથી બચી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી. સુરાબાયા શોધ અને બચાવ વડા નાનંગ સિગિટે એક નિવેદનમાં જણાવ્યું કે આજની શોધ માટે અમે પાણીમાં શોધખોળ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. કારણ કે શરૂઆતના પીડિતો અકસ્માત સ્થળથી ગિલિમાનુક બંદર વચ્ચેના પાણીમાં મળી આવ્યા હતા.
બાન્યુવાંગીના પોલીસ વડા રામા સમતામા પુત્રાએ જણાવ્યું કે બચાવી લેવામાં આવેલા લોકોમાંથી કેટલાક કલાકો સુધી તોફાની પાણીમાં તરતા રહ્યા હોવાથી બેભાન થઇ ગયા હતા. ઇન્ડોનેશિયન અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. બચી ગયેલા લોકોને બાલીની જેમ્બ્રાના પ્રાદેશિક હોસ્પિટલ સહિત નજીકની તબીબી સુવિધાઓમાં લઇ જવામાં આવ્યા છે.