પરમાણુ પરીક્ષણ ન કરવા બિલ ક્લિન્ટને પાંચ અબજ ડોલરની ઓફર કરી હતી, નવાઝ શરીફનો દાવો

પાકિસ્તાન પરત ફર્યાના કલાકો બાદ જ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ રાજકારણમાં સક્રિય થવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમના કાર્યકાળની સિદ્ધિઓ વિશે વાત કરતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે 1998માં પરમાણુ પરીક્ષણ કરીને ભારતના પરમાણુ વિસ્ફોટનો વળતો જવાબ આપ્યો હતો, તમણે કહ્યું કે યુએસના તત્કાલિન પ્રમુખ બિલ ક્લિન્ટને પરમાણુ પરીક્ષણ ન કરવા પાંચ અબજ ડોલરની ઓફર કરી હતી.
73 વર્ષીય નવાઝ શરીફ બ્રિટનમાં ચાર વર્ષનો સ્વ-નિવાસન સમાપ્ત કર્યા પછી દુબઈથી વિશેષ ફ્લાઇટમાં ગઈ કાલે સ્વદેશ પરત ફર્યા હતા. તેઓ પાર્ટીનું નેતૃત્વ કરવા અને જાન્યુઆરીમાં અપેક્ષિત ચૂંટણીઓમાં વધુ એક ટર્મ જીતવાનો પ્રયાસ કરવા પરતા ફર્યા છે.
શરીફે 1998માં જ્યારે પાકિસ્તાન ભારતના પરમાણુ પરિક્ષણનો જવાબ આપવા માંગતું હતું ત્યારે વિદેશી સરકારોના ભારે દબાણને યાદ કર્યું. તેણે કહ્યું, ‘વિદેશ કાર્યાલયમાં એવો રેકોર્ડ હશે કે ક્લિન્ટને મને પાંચ અબજ ડોલરની ઓફર કરી હતી. મને પણ એક અબજ ડોલરની ઓફર થઈ શકી હોત, પરંતુ હું પાકિસ્તાનની ધરતી પર જન્મ્યો હતો.
તેમણે કહ્યું કે, તો શું અમને આ માટે સજા કરવામાં આવશે? શું આ કારણે અમારી વિરુદ્ધ ચુકાદો આપવામાં આવે છે? શરીફે કહ્યું કે તેમણે ક્યારેય તેમના સમર્થકો સાથે દગો કર્યો નથી અને ન તો તેઓ કોઈ પણ પ્રકારનું બલિદાન આપવામાં અચકાયા છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેમની, તેમની પુત્રી અને તેમની પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ નોંધવામાં આવ્યા હતા.