મોંઘવારી અને આર્થિક સંકટ સામે લડવા ઈરાનનું મોટુ પગલુ, ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરાયા

ઈરાન આર્થિક પરિવર્તનના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનની સંસદે તેના ચલણ રિયાલમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં પોતાના ચલણ માંથી ચાર શૂન્ય દૂર કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે 10,000 જૂના રિયાલ એક નવા રિયાલની બરાબર ગણાશે. આ નિર્ણયથી ઈરાનની અર્થવ્યવસ્થાને નવી દિશા મળવાની આશા છે, જે લાંબા સમયથી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ બદલાવ દેશના નાણાકીય વ્યવહારોમાં સરળતા લાવવાનો પ્રયાસ કરવા માટે કરવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, ઈરાનની સંસદે રિયાલ ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરવાના બિલને મંજૂરી આપી છે. આ નિર્ણયનો હેતુ ચલણની કિંમતને સ્થિર કરવાનો અને લેનદેનને સરળ બનાવવાનો છે. ઈરાનની સરકારી મીડિયા IRNA અનુસાર, આ ફેરફારની તૈયારી માટે કેન્દ્રીય બેંકને બે વર્ષનો સમય આપવામાં આવશે, અને આગામી ત્રણ વર્ષ સુધી જૂના અને નવા નોટો બદલવાની પ્રક્રિયા ચાલશે. આ ફેરફારથી દૈનિક વ્યવહારોમાં સરળતા આવશે, જેમ કે એક રોટી ખરીદવા માટે લાખો રિયાલ ગણવાની જરૂર નહીં પડે.
ઈરાનની અર્થવ્યવસ્થા લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદ રિયાલનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. અત્યારે એક અમેરિકી ડૉલરની કિંમત આશરે 11,50,000 રિયાલ છે, જે ચલણની નબળી સ્થિતિ દર્શાવે છે. ઘણા એવા રિપોર્ટ છે માં રિયાલની નબળી પરિસ્થિતિની નોંધ લેવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા તેલ નિકાસ પર નિર્ભર છે, પરંતુ અમેરિકાના પ્રતિબંધોને કારણે ચીન સિવાય અન્ય દેશો તેનું તેલ ખરીદતા નથી, જેનાથી આર્થિક સંકટ વધ્યું છે. સામાન્ય રીતે ઈરાનની મોંઘવારી 35%થી વધુ રહે છે અને ક્યારેક 40-50% સુધી પહોંચી જાય છે.
આ નિર્ણયની શું અસર થશે?
ચાર શૂન્ય દૂર કરવાથી ઈરાનના ચલણમાં નોંધપાત્ર ફેરફાર થશે. આ ફેરફારથી લેનદેનની પ્રક્રિયા સરળ થશે અને લોકોને મોટી રકમ ગણવાની જરૂર નહીં પડે. ઉદાહરણ તરીકે, તુર્કીએ 2005માં તેના ચલણમાંથી છ શૂન્ય દૂર કર્યા હતા, જેનાથી તેની અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવી હતી. ભારતની સરખામણીએ, ભારતે 2016માં નોટબંધી દ્વારા 500 અને 1000ની નોટો બંધ કરીને નવી નોટો રજૂ કરી હતી, જેનો હેતુ કાળા નાણા અને નકલી ચલણને રોકવાનો હતો. જોકે, ભારતની રૂપિયાની કિંમત ડૉલરની સરખામણીએ હજુ સ્થિર છે (લગભગ 84 રૂપિયા પ્રતિ ડૉલર), જ્યારે ઈરાનનું રિયાલ ખૂબ જ નબળું છે. આ ફેરફારથી ઈરાનની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળવાની આશા છે.
આ પણ વાંચો…રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…