નેપાળના જેન-ઝી આંદોલનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર: અબજોનું નુકસાન અને 10,000 યુવાનો થયા બેકાર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળના જેન-ઝી આંદોલનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર: અબજોનું નુકસાન અને 10,000 યુવાનો થયા બેકાર

કાઠમંડુઃ નેપાળમાં થયેલા જેન-ઝી આંદોલનથી દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. આ આંદોલનમાં થયેલી હિંસા અને તોડફોડને કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે, જેનાથી લગભગ 10,000 લોકો બેરોજગાર બન્યા છે. કાઠમંડુ, પોખરા, ભૈરહવા અને ચિતવન જેવા મુખ્ય પર્યટન સ્થળો ખાલી થઈ ગયા છે. અધૂરામાં પૂરું કૈલાસ માનસરોવર યાત્રા પર આવતા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે આ સિઝનમાં પર્યટકોની સંખ્યામાં વધારો થતો હોય છે, જ્યાં વિદેશી પર્યટકો અને પ્રવાસીઓના આગમનથી અર્થવ્યવસ્થા મજબૂત બને છે, પરંતુ આ વર્ષે આંદોલનને કારણે તે નથી થઈ રહ્યું.

જેન-ઝી આંદોલનની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધથી શરૂ થયું હતું, જેમાં યુવાનોની ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતા વિરુદ્ધની નારાજગી વ્યક્ત કરી હતી. આ આંદોલનમાં હિંસા ફેલાઈ હતી અને આ ઉગ્ર વિરોધમાં લગભગ 72 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટા ભાગના પ્રદર્શનકારીઓ હતા. આ આંદોલનના પડધા રૂપે સત્તા ધરા હચમચી ગઈ હતી. નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું અને સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી. આંદોલનથી નેપાળની અર્થવ્યવસ્થાને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો નુકસાન થયું છે, જે દેશના દોઢ વર્ષના બજેટ જેટલું છે. સરકારી અને ખાનગી માળખાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

નેપાળના મોટા વ્યવસાયિક જૂથો અને કરદાતાઓને પણ આંદોલને મોટે પાયે પ્રભાવિત કર્યું છે. ભટ-ભટેની સુપરમાર્કેટ અને ચૌધરી જૂથને કરોડોનું નુકસાન થયું છે, જ્યારે એન્સેલ ટેલિકોમ કંપનીને પણ મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો. હોટલ એસોસિએશન નેપાળ અનુસાર, હોટલ વ્યવસાયને 25 અબજ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે ઓટો સેક્ટરમાં 15 અબજનું અંદાજિત નુકસાન છે. આંદોલનથી યુવા બેરોજગારી વધી છે, જે પહેલેથી જ 20%થી વધુ છે, અને વિદેશથી મોકલાતા રેમિટન્સ પર આધારિત અર્થવ્યવસ્થા વધુ નબળી પડી છે. તેમ છતાં, અનેક વ્યવસાયીઓએ પુનર્નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

નેપાળની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે, જે તહેવારો અને રજાઓના સમયે મોટી આવક આપે છે. પરંતુ આ વખતે હોટલ, રેસ્ટોરન્ટ, એરલાઇન્સ અને ટ્રાવેલ એજન્સીઓ ખાલી ખમ દેખાઈ હતી. દરબાર સ્ક્વેર અને પોકહરા જેવા જાણીતા સ્થળો પર અસામાન્ય શાંતિ છવાયેલી હતી, અને પર્યટકોની સંખ્યામાં ઘટાડાથી લાખો લોકોના જન જીવન અસ્તવ્યત થઈ ગયા હતા. હોટલ વ્યવસાયીઓના મતે, આગામી મહિનાઓમાં રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવી મુખ્ય પડકાર છે. જો હાલની પરિસ્થિતિ ન સુધરે તો પર્યટન ક્ષેત્ર લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે.

માર્ચ 2026માં યોજાનારા ચૂંટણીઓ પહેલા નેપાળ સરકારને આર્થિક દબાણનો સામનો કરવો પડશે, જેમાં 30 અબજ રૂપિયાનું વધારાનું બોજ પડશે. રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો છે, પરંતુ નવા વડા પ્રધાન સુશીલા કાર્કીની નિમણૂકથી સુધારાની આશા જાગી છે. ઉદ્યોગ પ્રતિનિધિઓનું માનવું છે કે રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત થાય તો નેપાળ પુનર્નિર્માણ કરી શકશે અને અર્થવ્યવસ્થા ફરીથી વિકસિત થઈ શકશે. આર્થશાસ્ત્રીઓના અનુમાન મુજબ, આ વર્ષે આર્થિક વૃદ્ધિ 1%થી નીચે જઈ શકે છે, પરંતુ સુધારા પગલાંથી પુનઃપ્રાપ્તિ શક્ય છે.

આ પણ વાંચો…નેપાળમાં ક્રાંતિકારી નિર્ણય: વડા પ્રધાન સુશીલા કાર્કીએ મૃતકોને ‘શહીદ’નો દરજ્જો આપ્યો, પરિવારોને ₹ 10 લાખની સહાય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button