ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે? બાંગ્લાદેશે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો

નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના(Sheikh Hasina)ને રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી, અહેવાલ મુજબ ત્યારથી તેઓ ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે સંખ્યાબંધ કેસ નોંધાયેલા છે. હાલની બાંગ્લાદેશની વચગાળાની સરકાર હસિનાના પ્રત્યાર્પણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. એવામાં હવે હસિનાની મુશ્કેલીઓ વધી શકે છે. અહેવાલ મુજબ બાંગ્લાદેશે ઇન્ટરપોલ(Interpol)નો સંપર્ક સાધ્યો છે.

અહેવાલ મુજબ શેખ હસિનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકાર તમામ શક્ય પ્રયત્ન કરી રહી છે. બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) એ ઇન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા ઇન્ટરપોલને વિનંતી કરી છે. આ યાદીમાં શેખ હસીનાનું નામ પણ સામેલ છે. કોર્ટ, સરકારી વકીલ અથવા તપાસ એજન્સીઓની અપીલના આધારે NCBએ ઇન્ટરપોલને વિનંતી કરી છે.

રાજધાની ઢાકામાં વિદ્યાર્થી આંદોલનથી ભડકેલી હિંસા દેશભરમાં ફેલાઈ હતી, ત્યાર બાદ હસીનાએ પરિવાર સાથે દેશ છોડી દીધો હતો. અહેવાલો અનુસાર 77 વર્ષીય શેખ હસીના ગત વર્ષની 5 ઓગસ્ટથી ભારતમાં જ છે. જો કે ભારત સરકારે આ અંગે સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા

શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે?

ઇન્ટરપોલ વિદેશમાં રહેતા ભાગેડુઓને શોધવામાં મદદ કરે છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસનો ઉપયોગ કોઈ વ્યક્તિને અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે કરવામાં આવે છે, જેથી તેની સામે પ્રત્યાર્પણ અથવા અન્ય કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકાય.

નિષ્ણાંતોના મત મુજબ જો ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરે તો પણ શેખ હસીનાનું પ્રત્યાર્પણ સંપૂર્ણપણે ભારત પર નિર્ભર રહેશે. ઇન્ટરપોલ નોટિસ પર સીધી ધરપકડ કરવા માટે ભારત કાયદેસર રીતે બંધાયેલું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button