પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો, બીઆરજી જૂથે લીધી જવાબદારી

પાકિસ્તાનમાં રેલ્વે પર વારંવાર થતા હુમલાઓ વચ્ચે ફરી એક વખત જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. આ વખતે ક્વોટાથી પેશાવર જતી આ ટ્રેન પર સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાએ પાકિસ્તાની અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ પહેલા પણ આ ટ્રેન પર અનેક વખત હુમલા થયા છે.
આ વિસ્ફોટ સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં થયો હતો, જ્યાં આઈઈડીનો ઉપયોગ કરીને જાફર એક્સપ્રેસને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પરિણામે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ખસી ગઈ અને રેલ્વે ટ્રેકને પણ મોટું નુકસાન થયું છે.
પાકિસ્તાની અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે હુમલા પછી તરત જ સુરક્ષા દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (બીઆરજી) નામના જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. તેમના પ્રવક્તા દોસ્તૈન બલૂચે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેમના સ્વતંત્રતા સેનાનીઓએ રિમોટ કંટ્રોલથી આ વિસ્ફોટ કર્યો છે. તેઓએ દાવો કર્યો કે આમાં અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ કોઈ જાનહાનિની પુષ્ટિ કરી નથી. બીઆરજીએ કહ્યું કે બલૂચિસ્તાનની આઝાદી મળે ત્યાં સુધી આવા હુમલા ચાલુ રહેશે.
જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલ્વેની મુખ્ય યાત્રી ટ્રેન છે, જે ક્વેટાથી પેશાવર વચ્ચે દરરોજ એક-એક ફેરો કરે છે. આ ટ્રેન રોહરી-ચમન અને કરાચી-પેશાવર રેલ્વે લાઇન પરથી પસાર થઈને 1,632 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં લગભગ 34 કલાક અને 10 મિનિટ લાગે છે. આ ટ્રેન પર અગાઉ પણ અનેક વખત હુમલા થયા છે, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષાના પગલાં વધારવાની જરૂર છે.
આ પણ વાંચો…પાકિસ્તાનના દબાણ હેઠળ બાંગ્લાદેશમાં પણ અહમદિયા સમુદાય બિન મુસ્લિમ જાહેર થશે



