ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનમાં પાણીનો કકળાટ: ગૃહમંત્રીના ઘર પર હુમલો, હિંસક વિવાદે લીધું વિકરાળ સ્વરૂપ

ઇસ્લામાબાદ: ચારેબાજુથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પાકિસ્તાનના હાલ વધુને વધુ ખરાબ થઈ રહ્યા છે. આઈએમફ અને ચીનની લોન પર ચાલી રહેલા પાકિસ્તાનની અંદર પણ અશાંતિ વ્યાપી છે.

પાણીની અછતને કારણે સર્જાયેલ સંકટ હવે હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે અને સિંધ અને પંજાબ પ્રાંતો વચ્ચે પાણીના વિતરણને લઈને ચાલી રહેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો છે કે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં સિંધના ગૃહ પ્રધાનના ઘર પર હુમલો કરીને તેને આગ ચાંપી દેવામાં આવી છે.

આપણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો; આતંકવાદીઓએ સ્કૂલ બસને નિશાન બનાવી, 4 બાળકોના મોત

સિંધ અને પંજાબ વચ્ચે પાણીના વિતરણને લઈને વિવાદ

ગરમી વધતાની સાથે જ પાકિસ્તાનમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બની છે. સિંધ અને પંજાબ વચ્ચે પાણીના વિતરણને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. આ જ વિવાદને લઈને ભડકેલી હિંસામાં બેકાબૂ ભીડે ગૃહ પ્રધાન ઝિયાઉલ હસન લંજરના ઘરને નિશાન બનાવ્યું હતું. હુમલાખોરો બંદૂકો સાથે આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.

આપણ વાંચો: આતંકી આમિર હમજાને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે મારી ગોળી, ગણી રહ્યો છે જીવનની અંતિમ ઘડી…

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ

મીડિયા અહેવાલ અનુસાર, નૌશહરો ફિરોઝ જિલ્લાના મોરો તાલુકામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.

આ અથડામણમાં લગભગ બે પ્રદર્શનકારીઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ વિરોધ પ્રદર્શનો છ નહેરો અને કોર્પોરેટ ફાર્મિંગ પ્રોજેક્ટના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યા હતા. કથિત રીતે, પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધરણા કરવાથી રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો.

આપણ વાંચો: શાહબાઝ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફને આપ્યું પ્રમોશન, જાણો કોણ છે?

સિંધના ગૃહ પ્રધાનના ઘરને બનાવાયું નિશાન

રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સિંધના ગૃહ પ્રધાન ઝિયાઉલ હસન લંજરના ઘરમાં તોડફોડ કરી હતી, રૂમ અને ફર્નિચરને આગ ચાંપી દીધી હતી.

જ્યારે ગૃહપ્રધાનના અંગત ગાર્ડ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે પ્રદર્શનકારીઓએ તેમને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને ગાર્ડ્સે હવામાં ફાયરિંગ શરૂ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો અને હાઈવે પર ઉભેલા ટ્રકોને પણ આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button