અમેરિકાને તાઈવાનને શસ્ત્રો વેચવાનું પડ્યું ભારે, ચીને ભર્યું આ પગલું
બીજિંગઃ તાઈવાનને શસ્ત્રો વેચવા અને ચીનની કંપનીઓ અને વ્યક્તિઓ પર અમેરિકાના પ્રતિબંધોના જવાબમાં ચીને રવિવારે પાંચ અમેરિકન પાંચ સંરક્ષણ કંપની પર પ્રતિબંધો લગાવ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયે એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું હતું કે પ્રતિબંધ બાદ ચીનમાં કંપનીઓ સાથે સંબંધિત સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવશે અને સંસ્થાઓ અને વ્યક્તિઓ પર તેમની સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
જેમના પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમાં બીએઇ સિસ્ટમ્સ લેન્ડ એન્ડ આર્મમેન્ટ, એલિયન્ટ ટેકસિસ્ટમ્સ ઓપરેશન, એરોઇરોનમેન્ટ, વાયાસૈટ અને ડેટા લિંક સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાના પગલાંથી ચીનની સંપ્રભુતા અને સુરક્ષા હિતોને નુકસાન પહોંચ્યું છે. તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતાને નબળી પાડી અને ચીની કંપનીઓ અને વ્યક્તિઓના અધિકારો અને હિતોનું ઉલ્લંઘન કર્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનની સરકાર રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા અને તેની કંપનીઓ અને નાગરિકોના કાયદેસરના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાના તેના સંકલ્પમાં અડગ છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રત્યાઘાતી પગલાંઓમાં ચીનમાં તે કંપનીઓની સંપત્તિઓ, તેમની જંગમ અને સ્થાવર મિલકતો સહિતની સંપત્તિને ફ્રીઝ કરવી અને ચીનમાં સંસ્થાઓ અને વ્યક્તિઓને તેમની સાથે વ્યવહારો અને સહકારથી પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાઈપેની સંયુક્ત વૉર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને મજબૂત કરવા માટે 300 મિલિયન અમેરિકન ડોલરના પેકેજને મંજૂરી આપી હતી.