ઇન્ટરનેશનલ

‘કેનેડાની તપાસમાં ભારત સહકાર આપે…’ રાજદ્વારીઓના ભારત છોડવા પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી

અમેરિકાએ કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ અપેક્ષા રાખે છે કે ભારત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવાથી ચિંતિત છીએ. અમે ભારત સરકારને વિનંતી કરી છે તે કેનેડિયન તપાસમાં સહકાર આપે.

વિદેશ વિભાગના અધિકારી મિલરે જણાવ્યું હતું કે મતભેદોને ઉકેલવા માટે સંબંધિત દેશમાં રાજદ્વારીઓની હાજરી જરૂરી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત કેનેડિયન રાજદ્વારી મિશનના માન્યતા પ્રાપ્ત અધિકારીઓને આપવામાં આવતા વિશેષાધિકારો સહિત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરશે.

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ચાલી રહેલા વિવાદમાં ભારતના કડક વલણને પગલે કેનેડાએ તેના 62માંથી 41 રાજદ્વારીઓ અને તેમના પરિવારોને પાછા બોલાવવા પડ્યા હતા. હવે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનમાં માત્ર 21 રાજદ્વારીઓ જ રહ્યા છે.

કેનેડાએ ખાનગી વાટાઘાટોમાં ભારતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, આ પગલાથી ભારત અને કેનેડામાં લાખો લોકો માટે સામાન્ય જીવન મુશ્કેલ બન્યું છે.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ઓટાવામાં કહ્યું હતું કે ચંદીગઢ, મુંબઈ અને બેંગ્લોરના વાણિજ્ય દૂતાવાસમાં વિઝા સંબંધિત તમામ પ્રકારની વ્યક્તિગત સેવાઓ બંધ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button