રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોના ટ્રમ્પના પ્રયાસો નિષ્ફળ, રશિયન પ્રવક્તાએ કહ્યું, “તરત કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં”

મોસ્કો: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના વિરામ માટે ઘણા દેશોએ બંને દેશના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી છે. પરંતુ તે સફળ થઈ શકી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં રશિયાએ યુક્રેન સાથે થનારી શાંતિ વાટાઘાટો અટકાવી દીધી છે. જેથી ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે.
તરત કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં
તાજેતરમાં અલાસ્કા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠકના અંતે ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “રશિયા શાંતિ વાટાઘાટો માટે તૈયાર છે. પરંતુ યુક્રેનના શહેરો પર રશિયાએ પોતાની એર સ્ટ્રાઈક ચાલું રાખી છે. જેથી રશિયા શાંતિ વાટાઘાટો શરૂ કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી.

આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર રશિયાની સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું હતું કે, “અમારા વાટાઘાટકાર જુદા-જુદા માધ્યમોના સંપર્કમાં છે. પરંતુ હજુ સુધી તે કહેવું વધારે યોગ્ય ગણાશે કે વાતચીત રોકાઈ ગઈ છે. વાતચીતથી તરત કોઈ મોટો નિર્ણય લેવાય તેવી આશા રાખી શકાય તેમ નથી.”
વ્લાદિમીર પુતીને પણ યુક્રેની રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે બેઠકની સંભાવનાને નકારી દીધી છે. તેમનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેની મડાગાંઠ સમાપ્ત કરવા માટે શિખર સમ્મેલન અતિ આવશ્યક છે.
યુક્રેન પર રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે અત્યારસુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા લોકોનું મૃત્યુ થયું હતું. રાજધાની કીવની એક સરકારી ઈમારતમાં પણ આગ લાગી હતી. આ હુમલા બાદ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી હતી.
રશિયા-યુક્રેન વચ્ચે થઈ ત્રણ તબક્કાની બેઠક
ઇસ્તાનબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ તબક્કે સીધી શાંતિ થઈ હતી. પરંતુ આ દરમિયાન બંને વચ્ચે મોટાપાયે કેદીઓને છોડવા સિવાય બીજી કોઈ વાત પર સહમતી થઈ નથી. જોકે, રશિયાએ ઘણી અઘરી માંગો કરી હતી.
જેમાં યુક્રેનના પૂરેવી ડોનબાસ વિસ્તારને સંપૂર્ણપણે રશિયામાં સમાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેને યુક્રેનને મંજૂર રાખી ન હતી. આ સિવાય યુરોપીય સૈનિકોને શાંતિ સેનાના રૂપમાં યુક્રેનમાં તૈનાત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ યુક્રેનના આ પ્રસ્તાને રશિયાએ નકારી કાઢ્યો હતો.
આ પણ વાંચો…રશિયાની સેનામાં ભારતીયોને ભરતી મુદ્દે વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા