
કાયેસ: પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં 1 જુલાઈના આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્રણેય ભારતીય નાગરિકોને મુક્તિ અને સલામતી માટે માલી સરકારને ભારતે વિનંતી કરી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે, અને ભારત સરકાર આ મુદ્દે સતત નજર રાખી રહી છે.
માલીમાં આતંકી હુમલો
1લી જુલાઈના રોજ માલીના કાયેસ વિસ્તારમાં આવેલી ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોને અજ્ઞાત હુમલાખોરોએ અપહરણ કર્યું. આ ઘટનાની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ‘જમાત નુસરત અલ-ઇસ્લામ વલ મુસ્લિમીન’ (JNIM)એ લીધી છે, આ સંગઠને માલીમાં અગાઉ પણ ઘતક હુમલા કર્યા છે.
ભારત સરકારની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ‘અત્યંત નિંદનીય’ ગણાવીને માલી સરકારને અપહૃત નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટે તમામ પગલાં લેવા જણાવ્યું છે. માલીની રાજધાની બમાકોમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને ફેક્ટરીના સંચાલકો સાથે સતત સંપર્કમાં છે. અપહૃત નાગરિકોના પરિવારોને પણ દરેક અપડેટથી વાકેફ રાખવામાં આવી રહ્યા છે.
સલાહ અને સાવચેતી
વિદેશ મંત્રાલયે માલીમાં રહેતા અન્ય ભારતીય નાગરિકોને સાવધાન રહેવા અને દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના આપી છે. ભારત સરકારે વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને પોતાની પ્રાથમિકતા ગણાવી છે અને અપહૃત નાગરિકોની સુરક્ષિત વાપસી માટે પૂર્ણ પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ઘટના ભારત અને માલી વચ્ચેના સંબંધો પર પણ અસર કરી શકે છે, અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.