સિંગાપોર બાદ હવે હોંગકોંગે મૂક્યો MDH અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ

હોંગકોંગે MDH પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક (કેન્સરનો ફેલાવો કરનારા) જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રા મળી આવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં જંતુનાશકની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે. હોંગકોંગ પહેલા સિંગાપોરના સત્તાવાળાઓએ પણ આ જ કારણોસર એવરેસ્ટની ફિશ કરી મસાલાને બજારમાંથી પરત મંગાવવાનો આદેશ જારી કર્યો હતો.
હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલાના મિશ્રણમાં ઉચ્ચ માત્રામાં કાર્સિનોજેનિક જંતુનાશક ઈથિલિન ઓક્સાઈડ જોવા મળ્યા છે – મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડર .
આપણ વાંચો: કૉંંગ્રેસ પીએફઆઈ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે: અમિત શાહ
સિંગાપોરના સત્તાવાળાઓએ હાલમાં જ એવરેસ્ટનો ફિશ કરી મસાલો બજારમાંથી પાછો મંગાવવાનો આદેશ જારી કર્યો છે. સિંગાપોર ભારતમાંથી આ મસાલાની આયાત કરે છે. સિંગાપોર ફૂડ એજન્સી (SFA) એ આયાતકાર એસપી મુથૈયા એન્ડ સન્સને રિકોલ પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. ભારતીય કંપની એવરેસ્ટના ઉત્પાદનો 80 થી વધુ દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.
હોંગકોંગના ફૂડ સેફ્ટી વિભાગનું કહેવું છે કે જંતુનાશક અવશેષો ધરાવતો ખોરાક સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન કરે તો જ વેચી શકાય. તેમણે જણાવ્યું છે કે ત્રણ અલગ અલગ દુકાનોમાંથી મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા. અને ત્રણે નમૂનામાં જંતુનાશક અવશેષો મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટી પ્રવક્તાનું કહેવું છે કે કંપની સામે 50 હજાર ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય 6 મહિનાની જેલ થઈ શકે છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય મસાલા બ્રાન્ડને વિદેશમાં કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. 2023 માં, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ સાલ્મોનેલાની હાજરીને કારણે એવરેસ્ટ ઉત્પાદનોને દૂર કરવાનો આદેશ આપ્યો.