અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું! પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું! પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે

કાબુલ: ગત એપ્રીલ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધી (IWT) રદ કરી હતી, અને પાકિસ્તાનને આપવા આવતા પાણીમાં ઘટાડો કર્યો હતો. હવે અફઘાનિસ્તાને પણ કંઇક આવો જ નિર્ણય લીધો છે. તાલીબાન સાશને જાહેરાત કરી છે કે કુનાર નદી પર શક્ય તેટલી વહેલી તકે ડેમ બાંધવામાં આવશે, જેથી પાકિસ્તાનને મળતા પાણી પર નિયંત્રણ કરી શકાય.

અફઘાનિસ્તાનના તાલિબાન સાશન કાર્યકારી પાણી પ્રધાન મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂરે X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, સુપ્રીમ લીડર મૌલવી હિબાતુલ્લાહ અખુંદઝાદા તરફથી કુનાર નદી પર શક્ય તેટલી વહેલી તકે ડેમ બાંધવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના આરોપ પાયાવિહોણા: ભારતને લઈને પાકિસ્તાને કરેલી ટિપ્પણીનો અફઘાનિસ્તાને આપ્યો જવાબ

મન્સૂરે પોસ્ટમાં લખ્યું, “અફઘાનિસ્તાનને પોતાના પાણીનું મેનેજમેન્ટ કરવાનો અધિકાર છે અને ડેમનું બાંધકામ વિદેશી કંપનીઓને બદલે સ્થાનિક કંપનીઓ દ્વારા કરવામાં આવશે.”

નોંધનીય છે કે ગત મહીને પાકિસ્તાન અને અફગાનિસ્તાનની સેના વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ જામ્યો હતો, જેમાં બંને પક્ષોએ ખુવારી થઇ હતી. બંને દેશોના સંબંધો ઐતિહાસિક રીતે ખરાબ સ્તરે પહોંચ્યા છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સાથે વેપાર ઠપ્પ થતાં પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ ‘આસમાને’, લોકોને હાલાકી

પાકિસ્તાનને ફટકો પડશે:

લગભગ 500 કિમી લાંબી કુનાર નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં હિન્દુ કુશ પર્વતોમાં નીકળે છે. ત્યારબાદ તે દક્ષિણ તરફ વહીને અફઘાનિસ્તાનમાં પ્રવેશે છે, તે અફઘાનિસ્તાનના કુનાર અને નાંગરહાર પ્રાંતોમાંથી પસાર થાય છે, ત્યાર બાદ કાબુલ નદીમાં મળી જાય છે.

આ કાબુલ નદી પૂર્વ તરફ વહીને ફરી પાકિસ્તાનમાં પ્રવેશે છે અને પંજાબ પ્રાંતના અટોક શહેર નજીક સિંધુ નદીમાં મળી જાય છે. જો અફઘાનિસ્તાન કુનાર નદી પર ડેમ બંધાશે તો પકિસ્તાને અગાઉ કરતા ઓછું પાણી મળશે. નોંધનીય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને માટે કોઈ સંધિ પણ નથી થઇ.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button