મ્યાનમારમાં આર્મી અને પીડીએફ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 2000 નાગરિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા

મ્યાનમારમાં આર્મી અને પીડીએફ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 2000 નાગરિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા

મ્યાનમારના ચિન રાજ્યમાં ભીષણ લડાઈ ફાટી નીકળ્યા બાદ હવાઈ હુમલા થતા છેલ્લા 24 કલાકમાં મિઝોરમની આંતરરાષ્ટ્રીય સરહદેથી લગભગ બે હજાર લોકો ભારત આવ્યા છે. દરમિયાન, મ્યાનમારના જુંટા(સેના)એ પશ્ચિમી શહેર સિત્તવેમાં કર્ફ્યુ લાદી દીધો છે. મિઝોરમના ચંફઈ જિલ્લાના અધિકારી જણાવ્યું હતું કે મ્યાનમારમાં શાસક જુંટા દ્વારા સમર્થિત સુરક્ષા દળો અને પીપલ્સ ડિફેન્સ ફોર્સ(પીડીએફ) વચ્ચે રવિવારે સાંજે ભીષણ અથડામણ થઈ હતી. ચંફઈ મ્યાનમારના ચીન રાજ્ય સાથે તેની સરહદ પર આવેલો છે.

સુત્રોના જણાવ્યા મુજબ પીડીએફએ ભારતીય સરહદ નજીક ચીન રાજ્યમાં ખાવમાવી અને રિખાવદરમાં બે લશ્કરી સ્થાનો પર હુમલો કર્યો ત્યારે લડાઈ શરૂ થઈ. ગોળીબારના કારણે ખાવમાવી, રિખાવદર અને ચીનના પડોશી ગામોમાંથી 2,000 થી વધુ લોકો ભારત તરફ વળ્યા હતા અને ચંફઈ જિલ્લાના ઝોખાવથારમાં આશ્રય લીધો હતો.

પીડીએફએ સોમવારે વહેલી સવારે મ્યાનમારના રિખાવદરમાં સ્થિત સૈન્ય મથક અને બપોરે ખાવમાવીના બેઝ પર કબજો કરી લીધો હતો. વળતી કાર્યવાહીમાં મ્યાનમારની સેનાએ સોમવારે ખાવમાવી અને રિહખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા. ફાયરિંગમાં ઘાયલ થયેલા 20થી વધુ લોકોને સારવાર માટે ચંફઈ લાવવામાં આવ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં 31,364 મ્યાનમારના નાગરિકો રહે છે. જેમાં મોટાભાગના શરણાર્થીઓ કેમ્પમાં રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીપલ્સ ડિફેન્સ ફોર્સે મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. તે નેશનલ યુનિટી ગવર્મેન્ટની સશસ્ત્ર પાંખ છે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ મ્યાનમારમાં થયેલા સૈન્ય બળવાના જવાબમાં પીડીએફનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય સૈન્ય બળ સામે લડીને ફરીથી ચૂંટાયેલી સરકાર દ્વારા મ્યાનમારમાં લોકશાહી સ્થાપિત કરવાનો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button