ઇન્ટરનેશનલ

નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ: મુખ્ય શિક્ષકનો દાવો

અબુજા (નાઈજીરિયા): નાઈજીરિયાના ઉત્તર-પશ્ર્ચિમમાં બંદૂકધારી દ્વારા હુમલો કરીને 287 વિદ્યાર્થીઓનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય શિક્ષક દ્વારા સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. આની સાથે પશ્ર્ચિમ આફ્રિકાના દેશમાં એક અઠવાડિયામાં બીજી વખત સામુહિક અપહરણનો બનાવ નોંધાયો હતો.

2014થી નાઈજીરિયાના ઉત્તરે શાળાના વિદ્યાર્થીઓનું અપહરણ અત્યંત સામાન્ય બની ગયું છે. 2014માં ઈસ્લામિક અંતિમવાદીઓ દ્વારા 200થી વધુ શાળાની વિદ્યાર્થીનીઓનું બોર્નો સ્ટેટના ચિબોક ગામથી અપહરણ કરવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં અપહરણના બનાવો ઉત્તર-પશ્ર્ચિમ અને મધ્ય ક્ષેત્રોમાં થઈ રહ્યા છે. જ્યાં ડઝનભર સશસ્ત્ર જૂથો ગામવાસીઓ અને પર્યટકોને મોટી ખંડણી પડાવવા માટે લક્ષ્ય બનાવતા હોય છે.

સ્થાનિકો દ્વારા એસોસિયેટેડ પ્રેસને જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે હુમલાખોરો દ્વારા કુરિંગા શહેરમાં આવેલા કડુનામાં સવારે 8.00 વાગ્યે વદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ સરકાર સંચાલિત શાળાને ઘેરો ઘાલ્યો હતો.

સત્તાવાળાઓએ પહેલાં કહ્યું હતું કે 100થી વધુ વિદ્યાર્થીઓને હુમલામાં બંધક બનાવવામાં આવ્યા હતા, જોકે મુખ્ય શિક્ષક સાની અબ્દુલ્લાહીએ કડુનાના રાજ્યપાલ ઉબા સાનીને તેમની મુલાકાત વખતે કહ્યું હતું કે અપહૃત વિદ્યાર્થીઓની સંખ્યા 287 જેટલી હતી.

અમે સુનિશ્ર્ચિત કરીશું કે દરેક વિદ્યાર્થી પાછો આવે. અમે સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્કમાં છીએ, એમ રાજ્યપાલે રાજધાનીથી પંચાવન માઈલ્સ (89 કિલોમીટર) દૂર આવેલા ગામડાના લોકોને કહ્યું હતું.

ગુરુવારના હુમલા અંગે હજી સુધી કોઈ જૂથે જવાબદારી લીધી નથી, પરંતુ સ્થાનિક પશુપાલકના સશસ્ત્ર જૂથો પર શંકાની સોઈ જઈ રહી છે જેઓ દાયકા લાંબા સંઘર્ષને પગલે ખંડણી ઉઘરાવવા માટે હિંસક હુમલા અને અપહરણ કરતા હોય છે. (એજન્સી)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button