પાકિસ્તાનમાં હિંસામાં 25 ટકાનો વધારો: ૨૦૨૫માં 3,187 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા વધુ પ્રભાવિત

કરાચીઃ પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં ગત વર્ષની સરખામણીએ હિંસા સંબંધિત ઘટનાઓમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે, એમ જાણીતી થિંક ટેન્કના અહેવાલમાં જણાવ્યું છે.
ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ(સીઆરએસએસ) અનુસાર જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં નોંધાયેલા ૩,૧૮૭ મૃત્યુમાંથી ૯૬ ટકાથી વધુ અને હિંસાની તમામ ઘટનાઓમાંથી ૯૨ ટકા ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં નોંધાયા હતા.
એક સ્વતંત્ર થિંક ટેન્ક સીઆરએસએસ દ્વારા બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે નવેમ્બર સુધીમાં હિંસામાં એકંદરે ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના પરિણામે ૩,૧૮૭ મૃત્યુ થયા હતા, જ્યારે ૨૦૨૪માં ૨,૫૪૬ મોત નોંધાયા હતા. જે લગભગ ૨૦ ટકાનો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: એક પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ
વર્ષ ૨૦૨૪માં ૨,૫૪૬ મૃત્યુ અને ૧૯૮૧ ઘાયલ થયા હતા. આ આંકડામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
આ અહેવાલમાં આપવામાં આવેલો મોતનો આંકડો હિંસાની ૧,૧૮૮ નોંધાયેલી ઘટનાઓમાં નોંધાયો હતો. જેમાં આતંકવાદી હુમલાઓ અને આતંકવાદ વિરોધી ઓપરેશનનો સમાવેશ થાય છે. જે મોટે ભાગે ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા અને બ્લુચિસ્તાન પ્રાંતોમાં નોંધાયા હતા.



