કેસ પાર્સલ સ્કેમમાં યુએસમાં 22 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ; આ રીતે ચાલતું હતું કૌભાંડ

ન્યુ પોર્ટ: યુએસમાં કેસ પાર્સલ સ્કેમમાં સંડોવાયેલા 22 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રોડ આઇલેન્ડના ન્યુ પોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ 13 નવેમ્બરના રોજ વિદ્યાર્થી ‘ફોન સ્કેમ’નો ભોગ બનેલા એક વૃદ્ધ યુએસ નાગરિક પાસેથી રોકડનું પાર્સલ લેવા પહોંચ્યો હતો, ત્યારે ન્યુપોર્ટ પોલીસે તેને પકડી પડ્યો હતો.
આરોપી વિદ્યાર્થી ભોગ બનનાર પાસે $45,000 કબજે કરવા માટે પહેલેથી નક્કી થયેલી જગ્યાએ પહોંચ્યો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. અહેવાલ મુજબ આરોપીની ઓળખ ગુજરાત મૂળના સમ્યગ દોશી તરીકે થઇ છે, તેને ગઠિયાઓએ $500 યુએસ ડોલર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
આ કેસમાં સોમવારે કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ પોતે ફેડરલ અધિકારીઓ હોવાની ઓળખ આપીને ગઠિયાઓએ અગાઉ વૃદ્ધ પાસેથી $50,000 પડાવ્યા હતાં.
કેવી રીતે શરુ થઇ છેતરપિંડી:
આ છેતરપિંડી ઓક્ટોબર મહિનામાં શરૂ થઇ હતી, ભોગ બનનાર વૃદ્ધને એક વોઈસ મેઈલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું કે તેમના બેંક એકાઉન્ટ પર અનધિકૃત ચાર્જ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધે કોલ બેક કર્યો, ત્યારે પોતાને ફેડરલ અધિકારી ગણાવીને ગઠીયાએ તમને ધમકી આપી કે ફેડરલ એજન્સી દ્વારા તેમના પર $30,000 ની મની-લોન્ડરિંગ તપાસ શરુ કરવામાં આવી શકે છે. ગઠીયાએ તેમને રોકડા રૂપિયા ઉપાડવા અને પાર્સલ સોંપવા કહ્યું. એક વાર નાણા આપ્યા બાદ ગઠિયાઓની માંગણી વધતી ગઈ, વધુ $45,000 માંગવામાં આવ્યા.
આ કારણે પોલીસને શંકા પડી:
3 નવેમ્બરના રોજ એક ગોલ્ડ શોપના માલિકે પોલીસને જાણ કરી એક ગ્રાહકે $2,00,000 ની કિંમતનું સોનું ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી પોલીસને શંકા ઉભી થઈ કે ગઠિયાઓ સોનું ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે છે. ત્યારબાદ અધિકારીઓએ તે વ્યક્તિનો સંપર્ક કર્યો, જેણે તપાસમાં મદદ કરવા સંમતિ આપી.
પોલીસે ટ્રેપ ગોઠવી:
10 નવેમ્બરના રોજ ગઠિયાઓએ શિકાગોમાં કેશિયર ચેક મોકલવાનું. પોલીસે બેંક સાથે સંકલન કરીને 70,000 ડોલરનો નકલી ચેક તૈયાર કરવાયો. 13 નવેમ્બરના રોજ, ગઠિયાઓએ ભોગ બનનારને ન્યુપોર્ટમાં 45,000 ડોલર રોકડ તૈયાર રાખવા સૂચના આપી. જ્યારે આરોપી પાર્સલ લેવા માટે સ્થળ પર પહોંચ્યો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી.
શરૂઆતમાં, અધિકારીઓએ જણાવ્યું કે આરોપી યુવકે શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, તેણે કહ્યું તે માત્ર ફરવા આવ્યો છે, પોલીસે તેના મોબાઈલ ફોનની તપાસ કરતાં પોલ ખુલી પડી હતી. તેણે એવું પણ સ્વિકાર્યું કે એ અગાઉ ચાર-પાંચ વખત આવી રીતે પાર્સલ ડીલીવર કરી ચુક્યો છે.
પોલીસે શિકાગોમાં નકલી ચેક લેવા આવેલા અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો…અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીને 8 વર્ષની જેલ, જાણો શું છે મામલો



