અનેક પડકારો આવ્યાં પણ હાર ના માની! મળો આ વિશ્વના સૌથી નાના ડૉક્ટર છે ગણેશ બારૈયાને…

ભાવનગર: સપના પૂરા કરવા માટે વિચારો અને મન મક્કમ હોવું જોઈએ અને ગુજરાતના ગણેશ બારૈયા આનું ઉત્તમ ઉદાહરણ છે. ફક્ત 3 ફૂટ ઊંચા હોવા છતાં, 72% અપંગતા અને સમાજ તરફથી અસંખ્ય આશંકાઓ હોવા છતાં, તેમણે ડૉક્ટર બનવાના પોતાના સ્વપ્નને જીવંત રાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ સપનાને સાકાર પણ કર્યું છે. આ સપનાને પૂર્ણ કરવા માટે ગણેશ બારૈયાને કાયદા, નિયમો અને લોકો અવરોધ બન્યાં હતાં, પરંતુ ગણેશ બારૈયાએ હાર નહોતી માની. અત્યારે તેમનું એ સપનું સાકાર થયું છે અને આખી દુનિયા તેમને સલામ કરી રહી છે.
ગણેશ બારૈયાનો જન્મ તળાજા તાલુકાના ગોરખી ગામમાં થયો હતો. આ ગણેશ બારૈયા લાખો લોકો માટે પ્રેરણારૂપ બન્યાં છે કે સપનાની ઊંચાઈ વ્યક્તિની ઊંચાઈ કરતા ઘણી ઊંચી હોય છે. ગણેશ બારૈયા એવા બધા લોકો માટે પ્રેરણા બની ગયા છે જેઓ સંજોગોનો સામનો કરીને હાર માનતા નથી. સપના ચોક્કસથી જોવા જોઈએ, પરંતુ તેને સાકાર કરવા માટે તેની પાછળ અથાગ મહેતન પણ કરવી પડતી હોય છે, જે મહેનત ગણેશ બારૈયાએ કરી બતાવી છે.
આ પણ વાંચો: વિશ્વના સૌથી ‘ઠીંગણા ડોક્ટર સાહેબ’ની ઈન્ટર્નશીપ શરૂ, તળાજાના ડો બારૈયાનું દેશ-વિદેશમાં સન્માન
ગણેશ બારૈયાએ કેવી રીતે આ સપનું સાકાર કર્યું?
2018 માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ગણેશ બારૈયાને તેમને ફક્ત તેમની ઊંચાઈના આધારે MBBS માં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. મેડિકલ કાઉન્સિલે કહ્યું કે, ઓછી ઊંચાઈ અને વજન ના કારણે તમને એડમિશન નહીં આપી શકીએ. ગણેશે આ નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો હતાં. કેસ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ગણેશનો પરિવાર ખેતી પર નિર્ભર હતો એટલે તેની પાસે એટલા રૂપિયા નહોતા કે કેસ લડી શકે, એટલે તળાજાના નીલકંઠ વિદ્યાપીઠના આચાર્ય ડૉ. દલપતભાઈ કટારિયાએ કાનૂની ખર્ચમાં મદદ કરી હતી.
સપના સાકાર કરવા માટે ગણેશે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં
ગણેશે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરી કર્યો ત્યારે હાઈ કોર્ટે પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્ણયને જ માન્ય રાખ્યો હતો. આમ છતાં ગણેશે હાર ના માની અને સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં લાંબા સમયથી આ કેસ ચાલ્યો હતો. ચાર મહિનાની કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ગણેશને તેની ઊંચાઈના આધારે મેડિકલ પ્રવેશ નકારી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2019માં ગણેશને ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. અહીં પોતાની અથાગ મહેનત થકી તેણે અભ્યાસ કર્યો અને સ્ટેટ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી અને અત્યારે તેઓ ડૉક્ટર તરીકેની સેવા આપી રહ્યાં છે.
ગણેશ બારૈયા ગરીબ લોકોની સારવાર કરવા માંગે છે
ગણેશ બારૈયાનું કહેવું એવું છે કે, તે ગ્રામ્ય વિસ્તારમાં જઈને ગરીબ લોકોની સારવાર કરવા માંગે છે. તેમનું સ્વપ્ન છે કે લોકો તેમને તેમના કામથી ઓળખે, તેમની ઊંચાઈથી નહીં. ગણેશ બારૈયાનું કહેવું છે કે, ઘણીવાર તો લોકો તેમને પહેલી વખત જૂએ ત્યારે હેરાન થઈ જાય છે, પરંતુ બાદમાં તેઓ સ્વીકાર પણ કરી લેતા હોય છે. અત્યારે પણ ગણેશ લોકોની ખૂબ જ સહજતાથી સારવાર કરી રહ્યાં છે. જો, પહેલા એડમિશન વખતે કોલેજે ના પાડી ત્યારે હાર માની લીધી હોત તો અત્યારે આ મુકામ સુધી ના પહોંચી શક્યાં હોત. એટલે સ્વાભાવિક વાત એ છે કે, કોઈ પણ સપનાને સાકાર કરવા માટે વિચારો સાથે દ્રઢ મનોબળ હોવું ખૂબ જ જરૂરી છે.



