ગાંધીનગરમાં અંબાપુર ગામ નર્મદા કેનાલ નજીક સાઇકો કિલરનું એન્કાઉન્ટરઃ 3 પોલીસ ઘવાયાં | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

ગાંધીનગરમાં અંબાપુર ગામ નર્મદા કેનાલ નજીક સાઇકો કિલરનું એન્કાઉન્ટરઃ 3 પોલીસ ઘવાયાં

વૈભવ મનવાણી હત્યા કેસના રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ

ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા વૈભવ નામના યુવકની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે આજે સાઇકો કિલર વિપુલ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વૈભવ મનવાણીના મર્ડર અને લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે સ્વબચાવમાં તાત્કાલિક ફાયરિંગ કરતાં આરોપીને ઢેર થયો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નવરાત્રિના ત્રીજા નોરતે પોલીસે કર્યું એન્કાઉન્ટર

હત્યાની ઘટનાની વાત કરવામાં આવે તો, તારીખ 20 સપ્ટેમ્બરની મધરાત્રે વૈભવ મનવાણી નામનો યુવક અને યુવતી જન્મદિવસ ઉજવી રહ્યા હતા. આ દરમિયાન વિપુલ આવે છે અને તેમને ધમકાવવા લાગે છે. વૈભવે તેનો વિરોધ કર્યો તો વિપુલે છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી. વૈભવની હત્યા કર્યા બાદ યુવતી પર પણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપી રોકડ, મોબાઇલ અને કાર લઈને ફરાર થયો હતો. જોકે થોડે દૂર કાર બંધ પડી જતા કાર મૂકી આરોપી નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો : પાલઘરમાં ડબલ મર્ડર: સાઇકો કીલરે કુહાડીથી બે ભાઈની હત્યા કરી કાદવના ખાડામાં છુપાઈ ગયો

આરોપી વિપુલને રાજકોટમાંથી દબોચ્યો હતો

આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસને તારીખ 23મી સપ્ટેમ્બરે સાઇકો કિલર વિપુલ પરમારની રાજકોટના માંડા ડુંગરથી ધરપકડ કરી હતી. ધરપકડ થયા બાદ આજે તેને રિકન્સ્ટ્રક્શન માટે આ જગ્યાએ લાવવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન આરોપી વિપુલ પોલીસની રિવોલ્વર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે ફાયરિંગ કરીને તેનું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળે મીડિયાની ભીડ એકઠી થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ગાંધીનગરમાં અંબાપુર ગામમાં યુવકની ઘાતકી હત્યા: આરોપી ઝડપાયો

સમગ્ર ગુજરાતમાં એન્કાઉન્ટરની ચર્ચાઓ શરૂ થઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે કેનાલ તરફ જવાના રસ્તાઓ પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને બેરીકેડિંગ કરી માર્ગો બંધ કરી દીધા છે. ગુજરાતભરમાં આ એન્કાઉન્ટરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે સાઇકો કિલર આરોપી વિપુલ પરમાર મોટાભાગે પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો. 20 સપ્ટેમ્બરે પણ તેણે આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હતો. જે કેસમાં આજે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button