ગાંધીનગર

ગુજરાતમાં 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાટનગર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમ કે આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી 80 લાખ લોકોને સીધો ફાયદો થશે.

અલગ અલગ 18 પ્રમાણપત્રો માટે સીએમનો ખાસ નિર્ણય

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તેના પરિણામે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે. આ નિર્ણયના કારણે લાખો પરિવારને મોટો ફાયદો થવાનો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button