બનાસકાંઠામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી ૧ વર્ષ માટે નાત બહાર કરવાનો લીધો નિર્ણય…

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં અત્યારે ઠાકોર સમાજમાં બંધારણ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ સાથે મળીને બંધારણ બનાવ્યું હતું, જેમાં સમાજ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કુલ 16 મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બંધારણનો ભંગ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમાં કેન્દ્ર સ્થાને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું નામ આવ્યું છે. ઠાકોર સમાજના બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ભંગ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને કરાયા સમાજ બહાર
આ સમાગ્ર મામલે જાબડીયામાં ઠાકોર સમાજની એક બેઠક યોજાઈ હતી. ઠાકોર સમાજની આ બેઠકમાં સમાજની શિસ્ત અને એકતાને ધક્કો પહોંચાડનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાબડીયામાં મળેલી ઠાકોર સમાજની બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે ઠાકોર સમાજમાંથી બહાર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સમાજને પણ વિનંતી કરવામાં આવી કે આ બંને સાથે કોઈએ કોઈ પણ પ્રકારનો સામાજિક કે આર્થિક વ્યવહાર રાખવો નહીં, એટલું જ નહીં પરંતુ તેમને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ઠાકોર સમાજનું ઐતિહાસિક પગલું: બનાસકાંઠાના ઓગડધામમાં નવું સામાજિક બંધારણ જાહેર…
ઠાકોર સમાજના નિર્ણય અંગે શું કહ્યું ગબ્બર ઠાકોર?
આ બાબતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની પણ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, અમે ઠાકોર સમાજે ઘડેલા 16 મુદ્દાના બંધારણનો કોઈ જ ભંગ કર્યો નથી, જે લોકોએ ભંગ કર્યો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ અમને બંને ભાઈઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આક્ષેપ એવો પણ કર્યો કે, સમાજમાં દારૂબંધી અંગે પણ કેમ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી? અત્યારે જરૂર તેની છે. તે બધુ બાજુમાં મુકીને અમારો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે ખોટી વાત છે.
સમાજના આગેવાનો અને નેતાઓને અમારો ઉપયોગ કર્યો
ગબ્બર ઠાકોરે એવો પણ આક્ષેપ કર્યો છે કે, જ્યારે સમાજના આગેવાનો અને નેતાઓને અમારી જરૂર હતી, ત્યાં સુધી અમારો ઉપયોગ કર્યો અને જ્યારે નિર્ણય લેવાની વાત આવી ત્યારે અમને કોઈને પૂછવામાં આવ્યું નથી. નોટબંધી થઈ તોય લોકોને તેના માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ અમને (કલાકારોને) કોઈ સમય આપવામાં આવ્યો નથી. આટલો વિરોધ જે મારો કર્યો, તેની જગ્યાએ આટલો વિરોધ દારૂ માટે કર્યો હતો, જે 150 મકાનો તૂટ્યા તેના માટે કર્યો હોત તો સમાજને બઉ ફાયદો થયો હોત.



