મુંબઇની આ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના સ્થાપકનું થયું નિધન
બિઝનેસ સેક્ટરમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. નેચરલ્સ આઈસ્ક્રીમના સ્થાપક રઘુનંદન શ્રીનિવાસ કામથનું નિધન થયું છે. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ ઉદ્યોગપતિએ પોતાની આવડત, ક્ષમતા અને મહેનતના જોરે 400 કરોડ રૂપિયાનું વિશાળ બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું હતું અને દેશમાં તેઓ આઈસ્ક્રીમ મેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા હતા. આવો જાણીએ તેમની સફળતાની કહાની…
જેને આઈસ્ક્રીમ પસંદ છે તેણે નેચરલ આઈસ્ક્રીમનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ તેને ઓળખ આપવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. કેરી વેચનારના પુત્રની સફળતાની ગાથા આજે દરેક માટે પ્રેરણાદાયી છે.
રઘુનંદન કામથનો જન્મ કર્ણાટકના મેંગલુરુમાં એક ફળ વેચનારના ઘરે થયો હતો. તેમને પાંચ ભાઈ-બહેનો હતા. બાળપણમાં તેમના શિક્ષણની સાથે તેમણે તેમના પિતાને પારિવારિક ફળોના વ્યવસાયમાં મદદ કરી અને આ ફળોના વ્યવસાયમાં તેમનો અનુભવ તેમના માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયો. ફળોની ઊંડી સમજ ધરાવતા રઘુનંદન શ્રીનિવાસ કામથ 14 વર્ષના થયા ત્યારે તેઓ મુંબઈ આવી ગયા. અહીં શરૂઆતમાં તેઓ તેમના ભાઈની રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકો પર તવાઈ, ફુડ વિભાગનું ડિલાઈટ આઇસક્રીમમાં પાડ્યા દરોડા
રઘુનંદન શ્રીનિવાસ કામથને પોતાના ભાઈની રેસ્ટોરન્ટમાં કામ કરતા સમયે મનમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો અને અહીં જ નેચરલ આઈસ્ક્રીમનો પાયો નંખાયો. રઘુનંદન શ્રીનિવાસે 14 ફેબ્રુઆરી 1984ના રોજ માત્ર 4 કર્મચારીઓ અને ફળોના જ્ઞાન સાથે એક નાની શરૂઆત કરી હતી. તેમનો આઈડિયા કામ કરી ગયો અને મુંબઈના જુહુમાં તેમનો નાનકડો સ્ટોર કામ કરવા લાગ્યો, પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
ઉત્પાદનની ગુણવત્તામાં સતત સુધારો કરીને, તેમણે અનેક ફ્લેવર્સમાં નેચરલ આઈસ્ક્રીમ રજૂ કર્યા અને થોડા જ સમયમાં એક જ સ્ટોરથી શરૂ થયેલો બિઝનેસ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો. નાણાકીય વર્ષ 2020 સુધીમાં કંપનીની આવક 400 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ હતી .
પોતાના ઉત્પાદનોમાં કૃત્રિમ સ્વાદને બદલે કુદરતી સ્વાદ રજૂ કરનારા રઘુનંદન શ્રીનિવાસ કામથની આઈસ્ક્રીમ બ્રાન્ડની સફળતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ફળ વેચનારનો પુત્ર દેશમાં ‘આઈસ્ક્રીમ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતો થયો. જો કે, હવે રઘુનંદનજીએ દુનિયાને અલવિદા કહી દીધું છે, પરંતુ તેમણે નેચરલ્સ આઈસ્ક્રીમ દ્વારા લોકોને જે સ્વાદનો પરિચય કરાવ્યો તે હંમેશા તેમની યાદ અપાવશે.