Rajkot માં વિકાસને વેગ મળશે, રૂડાની બેઠકમાં બે ટીપીમાં નવી હદ મંજૂર

રાજકોટ: રાજકોટમાં શહેરી વિકાસ સત્તા મંડળના બોર્ડની બેઠકમાં વિવિધ મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. જેમાં સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર યોજના નં.76ની નક્કી થયેલ હદમાં સુધારો કરી નવી કુલ 2 સૂચિત નગર રચના યોજનાની હદ નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નવી વાજડીગઢની ટી.પી. સ્કીમને પરામર્શ આપીને સરકારમાં મોકલવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવા ઉપરાંત ખુલ્લી અને પેક જમીનનો સર્વે કરવાની દરખાસ્ત પણ મુલતવી રાખવામાં આવી હતી. તે ઉપરાંત હોર્ડિંગ માટે પણ નવી નીતિ નક્કી કરાઈ હતી.
વિકાસના નવા આયોજનો ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો
જામનગર રોડ પર પરાપીપળીયા ટી.પી. સ્કીમ વિસ્તારમાં રૂડા દ્વારા વિકાસના નવા આયોજનો ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રૂડા વિસ્તારમાં ભવિષ્યની સૂચિત નગર રચના યોજના બનાવવા અને દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજના બનાવવા માટે ટી.પી, ડી.પી. સેલ, સર્વે યુનિટમાં તદ્દન હંગામી ધોરણે આઉટ સોર્સ સ્ટાફની નિમણૂક કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. રૂડાએ ખાનગી સાઇટની ફીમાં ઘટાડો કરી પોતાની સાઇટની ફી ડબલ કરી હોવાથી સવાલો ઉભા થયા હતાં.
150 ફૂટ રિંગરોડને ફોરલેન કરવા રજૂઆત
આ અંગે ચેરમેન તુષાર સુમેરાએ કહ્યું હતું કે, બોર્ડ બેઠકમાં રૂડા વિસ્તારમાં આવેલા હોર્ડિંગ બોર્ડના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. એક ટી.પી. રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે હોર્ડિંગ સાથે મોબાઈલ ટાવર માટેના ભાવ નક્કી કરવાની વાત હતી. પરંતુ તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. તેમણે 150 ફૂટ રિંગરોડને ફોરલેન કરવા અંગે કહ્યું હતું કે, આ બાબત એજન્ડામાં નથી પણ કામગીરી આગળ વધી રહી છે. ટાઉન પ્લાનિંગ બાબતે અલગ સેલ ઉભો કરવા પણ નિર્ણય લેવાયો હતો.