રાજકોટમાં લોહિયાળ બન્યો ઉત્તરાયણનો તહેવાર, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

રાજકોટ: રાજકોટમાં ઉત્તરાયણના દિવસે ખૂની ખેલ ખેલાયો છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર એક યુવકની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સોએ છરીના ઘા મારીને યુવકની જાહેરમાં હત્યા કરી નાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હત્યાની આ ઘટના મામલે જાણ થતાની સાથે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સાવન ગોસ્વામી નામના 45 વર્ષીય યુવકની હત્યા
આ ઘટનાની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. જો કે, પોલીસે હજી તેની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરી નથી. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાએ જણાવ્યું કે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષીય યુવકને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું?
યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ ઘાયલ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. જો કે, હજી પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, મૃતક યુવક પોતે જ ઝઘડો કરવા મહિલા પાસે ગયો હતો. આ દરમિયાન મહિલાએ અન્ય શખ્સોને બોલાવ્યાં અને પછી મારામારી થઈ હતી. ત્યારબાદ મહિલા અને તેના અન્ય શખ્સોએ મળી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે મહિલા સહિતને તેના સાથી શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા છે.



