
રાજકોટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહકાર સંમેલનમાં હાજરી આપવા આવ્યા છે, ત્યારે જયેશ રાદડિયાએ પોતાની તાકાત દર્શાવતા વિશાળ જન મેદની એકઠી કરી પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવી ચર્ચાઓ સંભળાઈ રહી છે.
તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે રીતે ગુજરાતના પ્રવાસો ગોઠવી રહ્યા છે તે જોતા મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે. પ્રદેશ પ્રમુખની વરણી પણ થવા જઈ રહી છે.
રાદડિયા માટે પોતાની તાકાતનો પરિચય કરાવ્યો
આજે રાજકોટ ખાતે કદાવર પાટીદાર નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે રાજકોટ મુલાકાતે આવ્યા છે, ત્યારે જયેશ રાદડિયા માટે પોતાની તાકાતનો પરિચય કરાવવાનો એક સોનેરી મોકો મળ્યો અને તે સફળતાપૂર્વક પાર પણ પાડ્યો છે.
ગુજરાતમાં આપ પોતાનું કદ ગોપાલ ઇટાલીયાના ખભે વધારી રહ્યું છે ત્યારે ભાજપમાં રહેલા પાણીદાર પાટીદાર નેતાને ખુશ કરી પાટીદારો આપ તરફ ન ઢળે તેવા મોવડી મંડળના પ્રયાસો રહેવાના જ છે.

કેબિનેટ પ્રધાન બનાવવામાં રાદડિયાનું નામ ચર્ચામાં
સૌરાષ્ટ્રમાંથી જો કોઈને કેબિનેટ પ્રધાન બનાવવાના હોય તો અત્યારે જયેશ રાદડિયા ચર્ચામાં ચાલી રહ્યું છે. જયેશ રાદડિયા પાસે સંગઠનની તાકાત છે. એવું તેમણે સાબિત કરી બતાવ્યું છે. આ સંમેલનમાં ‘જયેશ રાદડિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા પણ લાગ્યા હતાં.
સૌરાષ્ટ્રમાં બીજા પાટીદાર નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ પ્રદેશ પ્રમુખની હરીફાઈમાં છે. પરંતુ તેમનુ વ્યક્તિત્વ છેલ્લા કેટલાક સમયથી થોડું ચર્ચામાં રહ્યું છે.
ભાજપ સૌરાષ્ટ્રમાં કોને પ્રધાન પદ આપશે?
રાજકીય પરિસ્થિતિ જોતા આપ પાસે ગોપાલ ઇટાલીયા એક ઉભરતા પાટીદાર નેતા છે. કોંગ્રેસ પાસે સક્ષમ પાટીદાર નેતાનો અભાવ છે. અમરેલી સ્થિત પરેશ ધાનાણી હાલ સુષુપ્ત અવસ્થામાં છે.
પાટીદારની વોટ બેંક સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને પોંખી મંત્રીમંડળમાં સમાવેશ કરે તેવી પૂરી શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્રમાંથી કોને પ્રધાન બનાવમાં આવશે તે અંગે હજી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો…અમિત શાહે સુરત મુલાકાતથી ‘એક કાંકરે માર્યા બે તીર’: નવરાત્રિમાં જાહેર થઈ શકે પ્રદેશપ્રમુખનું નામ…