જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી: પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

જામનગર: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી જામનગરના મહેમાન બન્યા હતા. તાજેતરમાં તેમનો રિલાયન્સ ટાઉનશીપના ગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આજે તેઓ જામનગરથી પોતાના નિવાસસ્થાને જવા રવાના થયા હતા. એવા સંજોગોમાં એરપોર્ટને ઉડાવીને દેવાની ધમકી મળી હતી. જેને લઈને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
જામનગર એરપોર્ટને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ
જામનગર એરપોર્ટ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું ગણાય છે. આજે અહીંથી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા એરપોર્ટ પરથી રવાના થયાની ગણતરીની મિનિટોમાં જ આ ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સનસનાટી મચી ગઈ છે.ધમકી મળતાની સાથે જ જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, ડીવાયએસપી અને ક્રાઈમ બ્રાન્ચ (LCB-SOG) ની ટીમોના કાફલા સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ બિલ્ડિંગ, રનવે અને પાર્કિંગ સહિતના તમામ વિસ્તારોમાં ‘સ્વીપિંગ’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવતા-જતા દરેક મુસાફર અને તેમના સામાનનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ આ ધમકીભર્યા ઈ-મેઈલના લોકેશન અને તેના સ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જામનગર એરપોર્ટ પર વિદેશી ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ બની છે, જે બાદમાં અફવા સાબિત થઈ હતી. જોકે, હાલની સ્થિતિ જોતા સમગ્ર એરપોર્ટ પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટ ભારતીય વાયુસેના (IAF)ના સીધા નિયંત્રણ હેઠળ હોવાથી આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.



