Gujaratમાં અહીં છે સિંહનું મંદિર, ગવાઈ છે સિંહ ચાલીસા ને ગ્રામવાસીઓ કરે છે આરતી
અમરેલીઃ વન્ય વિસ્તારો આસપાસ રહેતા અને ગામડામાં જીવન જીવતા લોકો માટે પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ અનોખું મહત્વ ધરાવે છે. તેમની માટે સિંહો માત્ર જોવાના કે મનોરંજન કે રોમાંચ અનુભવવા માટે નથી, પણ તેમની શાન છે, તેમના હૃદયની નજીક હોય છે.
આપણે જે વનરાજોથી ડર લાગે છે તે તેમની આસપાસ રહેતા હોય છે અને તેમની સાથે તાદાત્મ્ય પણ સાધી લેતા હોય છે. હા, એ વાત ચોક્કસ કે જંગલનું પ્રાણી આખરે પ્રાણી છે અને તેનાથી એક અંતરે જ રહેવાય, પણ જો તમે તેમના જીવનમા દખલગીરી ન કરો તો પશુઓ તમને કોઈ રીતે રંજાડતા નથી.
આજે વિશ્વ સિંહ દિવસ છે અને એશિયાટીક સાયન્સ માટે પ્રખ્યાત સાસણ-ગીર નજીક આવેલા અમરેલી ગામના લોકોનો સિંહ પ્રત્યેના પ્રેમની વાત તમને કહેવી છે.
રાજકોટ નજીક આવેલા અમરેલી જિલ્લામાં રાજુલાના ભેરાઈ ગામ નજીક રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે. આજે વિશ્વ સિંહ દિવસને લઈને અહીં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવા લોકો આવે છે. સ્થાનિકો અહીં નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ રાખી રહ્યા છે.
આ પણ વાંચો: આ જાણીતા બિઝનેસમેનના ઘરની બહાર ફરતાં દેખાયા બે ખૂંખાર પ્રાણીઓ અને…
આ સ્મારક બનાવવા પાછળનું કારણ એમ છે કે રાજુલાના ભેરાઇ ગામ નજીક 2014માં પહેલી વખત રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની હડફેટે બે સિંહના મોત થયા હતા. બે સિંહોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ સર્જાયો હતો અને સિંહપ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
ભેરાઇ ગ્રામજનોમાં પણ સિંહો પ્રત્યે લાગણીઓ હોવાને કારણે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહના સ્મારક બનાવનું નકકી કરાયુ હતુ. આ માટે ગામના એક ખેડૂતે પોતાની જમીન આપી અને સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ એમ અલગ અલગ દાતાઓ મારફતે સિંહ સ્મારક રેલવે ટ્રેક નજીક બનાવવામાં આવ્યું હતું.
ત્યારથી સ્થાનિકો અહીં નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ પણ રાખી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સ્મારકના દર્શન કરવા પણ આવે છે. જ્યારે બે સિંહણો ટ્રેક પર મોતને ભેટી તે સિંહણો આ વિસ્તારની માનીતિ અને લાડલીઓ હતી. સ્વભાવની ખૂબ શાંત સ્વભાવ હતી. જેથી લોકો આજે પણ તેમના પ્રત્યે આટલો આદર છે.
આજે સિંહ દિવસના પ્રસંગે અહીં સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ વનવિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ યોજવામા આવ્યા હતા. અહીં બહારગામથી પણ લોકો આવે છે.
આ વિસ્તારના લોકો કહે છે કે સિંહ ભલે ક્યારેક રંજાડે કે અમને નુકસાન પહોંચાડે, પણ અમારી માટે તો અમારા સાવજ અમારી શાન છે.