આપણું ગુજરાત

વિકાસ સહાય બાદ ગુજરાતના નવા DGP કોણ? આ IPS ઓફિસરનું નામ સૌથી આગળ!

ગાંધીનગર: વિકાસ સહાય છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી રાજ્યના પોલીસ વડાનું (DGP) પદ શોભાવી રહ્યા છે. પરંતુ નિયમ મુજબ તેઓ આવતીકાલે એટલે કે 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જોકે હવે વિકાસ સહાય બાદ રાજ્યમાં નવા DGP તરીકે કોની નિમણૂક કરવામાં આવશે એ પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

DGPના હોદ્દાના દાવેદાર કોણ છે?
30 જૂને ગુજરાત રાજ્યમાં બે સિનિયર આઇપીએસ ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. ત્યારે હવે DGP તરીકે કોની નિમણૂક કરવામાં આવશે એને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.

ડીજીપીની રેસમાં મલિકનું નામ આગળ
પોલીસ બેડાના સૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકનું નામ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ના પદની રેસમાં સૌથી આગળ છે. તેઓ 1993 બેચના આ અનુભવી IPS અધિકારી છે. આ અગાઉ તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં તથા રથયાત્રા જેવી મોટા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થાનું સફળ સંચાલન કરવામાં તેમનું નોંધપાત્ર યોગદાન છે.

વિકાસ સહાયને મળી શકે છે એક્સટેન્શન
જી. એસ. મલીક બાદ કે. એલ. એન રાવની DGPના દાવેદાર તરીકે ગણતરી કરવામાં આવે છે, પરંતુ તેઓને પોતાનો અતીક અહેમદ સાથે કરેલા વીડિયો કોલનો વિવાદ નડી શકે છે. જોકે જી. એસ. મલિક નવેમ્બર 2028માં તથા કે. એલ. એન રાવ ઑક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત અટકળો સિવાય સરકાર વિકાસ સહાયને DGP તરીકે ત્રણ મહિનાનું એક્સટેન્શન પણ આપી શકે છે. આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સરકારને DGPના પદ માટેના યોગ્ય સિનિયર આઇપીએસ ઓફિસર મળી શકે. ભૂતકાળમાં પૂર્વ DGP આશિષ ભાટિયાને પણ સરકારે એક્સટેન્શન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button