વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત

વડોદરાઃ વડોદરા રેલવે પોલીસ દ્વારા બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મજૂરી અર્થે લઈ જવામાં આવતા 16 બાળકોને રેલવે પોલીસે મુંબઈ જતી એક ટ્રેનમાંથી મુક્ત કરાવ્યાં છે. આ તમામ બાળકોને રેલવે પોલીસે રેસ્ક્યુ કરીને બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલ્યાં છે. વડોદરા રેલવે પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

આ મામલે રેલવે પોલીસને ખાનગી રાહે મળી હતી બાતમી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ બાળકો મોટા ભાગે બિહાર અને મધ્ય પ્રદેશના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બાળકો પાસેથી મજૂરી કામ કરાવવામાં આવતું હતું. મજૂરીકામ માટે બાળકોને સુરત અને મુંબઈ લઈ જવામાં આવતા હતા. અત્યારે વડોદરા રેલવે પોલીસે બાળકોને મુક્ત કરાવી દીધા છે. આ સમગ્ર મામલે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાદ પોલીસે સત્વરે તપાસ હાથ ધરી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

કટીહાર-મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળકોનું રેસ્ક્યુ કરાયું

પોલીસને બાતમી મળી હતી કે, બિહારના સગીર બાળકોને મદરેસામાં ભણાવના બહાને કટીહાર-મુંબઈ સ્પેશિયલ ટ્રેન દ્વારા સુરત લઈ જવામાં આવી રહ્યાં છે. જેથી વડોદરા રેલવે પોલીસે કુલ 16 બાળકોને રેક્સ્યુ કરી લેવામાં આવ્યાં છે. આ તમામ બાળકોને ચાઈલ્ડ વેલફેર કમિટીમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર મામલે પહેલા પ્રયાસ જુવેનાઈલ એડ સેન્ટરને રતલામથી બાતમી મળી હતી. વડોદરા સેન્ટરની પ્રયાસ જૂવેનાઇલ એડ સેન્ટરનાં કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન દોડી આવ્યાં અને વડોદરા રેલવે પોલીસને જાણ કરી હતી.

પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી

વડોદરા રેલવે પોલીસે આ મામલે વિગતો આપતા જમાવ્યું કે, કુલ 41 જેટલા યુવાનો મળી આવ્યાં છે. જેમાંથી 16 જેટલા સગીર છે. આ 41 યુવાનોમાં કેટલાક બાંગ્લાદેશી યુવાનો હોવાની આશંકા હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બાતમી મળી હોવાથી ટ્રેનનાં જનરલ કોચમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 41 યુવાનો મળી આવ્યા હતા જેમાંથી 16 જેટલા બાળકો 18 વર્ષની નાના હોવાનું જાણવા મળ્યું છે’. પોલીસ અત્યારે તે યુવાનોની યાદી બનાવી રહી છે. યાદી બનાવીને પરિવારને જાણ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button