DPIFFની ઐતિહાસિક જાહેરાત: મહારાણી રાધિકારાજે ગાયકવાડનું એડવાઈઝરી બોર્ડમાં કર્યું સ્વાગત…

મુંબઈ: દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પાયો નાખી તેને સફળતાપૂર્વક આગળ વધારવાના સિંહફાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ની શરૂઆત કરવામાં આવી છે. આ સિવાય છેલ્લા 13 વર્ષથી ‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ (DPIFF) એ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરી છે.
સલાહકાર બોર્ડમાં કર્યો એક શાહી સભ્યનો ઉમેરો
‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’એ બરોડાના મહારાણી રાધિકારાજે ગાયકવાડને પોતાના સલાહકાર બોર્ડ (Advisory Board)ના સભ્ય બનાવ્યા છે. DPIFF ના CEO અભિષેક મિશ્રાએ આ જાહેરાત કરતાં ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું કે, “મહારાણી રાધિકારાજે ગાયકવાડનું સ્વાગત કરતાં અમને ગર્વ થાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રેરણાદાયક છે, અને તેમનો અનુભવ ઉત્સવને નવી દિશા આપશે.”

મહારાણી રાધિકારાજે ગાયકવાડનો DPIFFમાં સમાવેશ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શાહી વારસો અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણનું મિશ્રણ દર્શાવે છે, જે ફેસ્ટિવલની પ્રતિષ્ઠાને વૈશ્વિક મંચ પર મજબૂત બનાવશે.
DPIFFના સલાહકાર બોર્ડમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ સિવાય ઘણા પ્રતિષ્ઠિત નામોનો પણ સમાવેશ થાય છે. જેમાં કર્નલ પી.સી. સૂદ (ઉપ અધ્યક્ષ, હિન્દુજા ગ્રુપ), દત્તરાજ સાલગાંવકર (ચેરમેન, વી.એમ. સાલગાંવકર કોર્પોરેશન), ભાવના મર્ચન્ટ (સંસ્કૃતિ નિષ્ણાત), મયંક શ્રોફ (ફિલ્મ પ્રોગ્રામિંગના વડા, સિનેપોલિસ ઇન્ડિયા), જ્યોતિ બડેકા (ક્રિએટિવ પ્રોડ્યુસર)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, બરોડાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસના આશ્રયદાતા છે. તેમણે ભારતીય વારસા અને કલાના સંરક્ષણ માટે અનેક સામાજિક અને સાંસ્કૃતિક ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે.
તેમનો DPIFFમાં સમાવેશ ફેસ્ટિવલને વૈશ્વિક સાંસ્કૃતિક શક્તિ તરીકે નવી ઊંચાઈઓ પર લઈ જશે.