ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે Statue of Unityની મુલાકાતે

રાજપીપળા: આવતીકાલે 22 જુલાઇના રોજ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક (Jigme Khesar Namgyel Wangchuck) વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) મુલાકાતે આવવાના છે. જો કે કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌપ્રથમ વખત એકસાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાના હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સવારે 11 : 15 વાગ્યે ભૂતાનથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે. પ્રથમ વખત વડોદરાની જમીન પર કોઇ રાજકીય મહેમાનને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરશે. વડોદરા એરપોર્ટ પરથી તેઓ સીધા કેવડિયા જવા માટે રવાના થશે.
આ પણ વાંચો: ભૂતાનના રાજાએ વડાપ્રધાન મોદીને આપ્યું ખાસ ડિનર, PM મોદી સાથે ભૂતાનના રાજાના બાળકોની તસવીરો થઇ વાયરલ
ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે સોમવારે વડોદરાથી સીધા કેવડિયા જવા માટે રવાના થશે. કેવડિયામાં તેઓ 1 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેમને આઝાદી બાદ દેશની એકતા માટે થયેલા કાર્યો ઉપરાંત સરદાર પટેલની ભૂમિકા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પાશ્ચાદભૂ આપવામાં આવશે. ત્યાર બાદ મહાનુભાવો ટેન્ટ સિટી-1ની મુલાકાત લેશે. ટેન્ટ સિટી-1થી તેઓ 3:50 વાગ્યે સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે.
સુરક્ષાના કારણોસર બંને મહાનુભાવોની મુલાકાતનું કારણ જાહેર નથી કરવામાં આવ્યું. જો કે બંને રાજકીય આતિથી હોવાના લિધે વ્યવસ્થા માટે વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બંને અતિથીઓની મુલાકાત દરમિયાન રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા જોડવાના છે.