પીએમ મોદીની મુલાકાતથી ખુશ ભૂતાનના યુવાનો આ શું કરી રહ્યા છે!
થિમ્પુઃ ગુજરાતનો પરંપરાગત પોષાક ઘાઘરા-ચોળી અને કુર્તા-પાયજામા પહેરીને તમે યુવાનોને ગરબાના તાલે થિરકતા જોવા એ સામાન્ય વાત છે, પણ આ જ બાબત તમને ભારત બહાર અને તે પણ ભૂતાન જેવા નાનકડા હિમાલયમાં વસેલા દેશમાં જોવા મળે તો તે વધારે આશ્ચર્યજનક લાગે, પણ હાલમાં પીએમ મોદીની ભૂતાન મુલાકાત સમયે આવું જ કંઇ દ્રશ્ય જોવા મળ્યું હતું.
પીએમ મોદી આજથી બે દિવસ માટે ભૂતાનની મુલાકાતે છે. પારો એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પીએમ મોદી ત્યાંથી 45 કુમી દૂર આવેલી રાજધાની થિમ્પુ ખાતે જવા રવાના થયા હતા. અહીંના એક હોટેલમાં તેમને ઉતારો આપવામાં આવ્યો છે. હોટેલમાં ભુતાનના યુવાનોએ પરંપરાગત ગુજરાતી ગરબા પર ડાન્સ કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં તેમણે જે ગીત પર ડાન્સ કર્યો હતો એ ગીત પણ પીએમ મોદીએ જ લખ્યું છે. ભૂતાની યુવાનોને ગરબા પર ડાન્સ કરતા જોઇ પીએમ મોદી પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને તેમના ડાન્સને એકટીશે જોઇ રહ્યા હતા.
યુવાનોનું પર્ફોર્મન્સ પૂરુ થયા બાદ પીએમ મોદીએ તાળીઓ વગાડી તેમના પર અભિનંદનની વર્ષા કરી હતી.
આ પહેલા પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીના આગમન પર લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે ભૂતાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે હાજર રહ્યા હતા. ત્યાર બાદ પારોથી થિમ્પુ સુધીના સમગ્ર 45 કિલોમીટરના રૂટ પર ભૂતાનના લોકો દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ ભારતીય અને ભૂતાનના ધ્વજથી સજ્જ હતો.