જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને વડોદરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા...
વડોદરા

જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને વડોદરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા…

વડોદરાઃ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર જૂનીગઢીમાં પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે 50થી વધુ લોકોને અટકાયત કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

કોર્ટ કચેરી ખાતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નવરાત્રિ મહોત્સવ શરૂ થવાના કારણે ફરી કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા પહેલેથી જ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

AI જનરેટેડ પોસ્ટને કારણે ભારે થયો હતો વિવાદ

ઘટનાની વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયામાં થયેલી એક પોસ્ટને આધારે બે સમુદાય વચ્ચે તણાવ ફાટી નીકળ્યો હતો. વિગતે જાણીએ તો, જૂનીગઢી વિસ્તારમાં 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક AI જનરેટેડ પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી.

થોડા જ સમયમાં પરિસ્થિતિ હિંસક બની જતા પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. ઘટના ગંભીર બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આ સમગ્ર મામલાની પાછળ સૂત્રધારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

કોર્ટ કચેરી પરિસરને છાવણીમાં ફેરવાયું હતું

સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે કોર્ટ કચેરી પરિસરને છાવણીમાં ફેરવી દીધું હતું. ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જાતે હાજર રહી સમગ્ર કાર્યવાહી ઉપર નજર રાખી હતી.

પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી કાવતરાના પાસાઓ, આયોજનમાં કોણ-કોણ સામેલ હતા? કઈ રીતે આ તોડફોડ અને પથ્થરમારો ગોઠવાયો હતો? તે મામલે પૂછપરછ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો…ગુજરાતના ગોધરા અને વડોદરા પોલીસ સ્ટેશનમાં જ હંગામો અને તોડફોડ , પોલીસે લાઠીચાર્જ કર્યો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button