હોશિયાર, ખબરદાર – ગુજરાતમાં નર્મદાકાંઠાના 61 ગામને અપાયો એલર્ટ, કારણ પણ જાણી જ લો !

વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ અને એ ઉપરાંત નર્મદા ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને એ બાબતને ધ્યાને લઈ બંને નદીના કિનારે આવેલાં ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાનાં 36 ગામોના નાગરિકોને જ્યારે નર્મદા જિલ્લાનાં 25 ગામોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આનું એક કારણ એ પણ છે કે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે ગુજરાતનાં કેવડીયા કોલોની, નર્મદા ડેમમાં પાણીની આવક 4 લાખ 22 હજાર 385 ક્યૂસેક થતાં જળસપાટી 133.26 મીટરે પહોંચી છે, છેલ્લા 24 કલાકમાં પાણીની આવકમાં 2.85 મીટર જેટલો વધારો થયો છે. ઉપરવાસમાં ભારે પાણીની આવક અને ડેમમાથી છોડાતા પાણીના પરિણામે તંત્ર એ નર્મદા કાંઠાના 61 જેટલા ગામના નાગરિકોને સતર્ક કર્યા છે.
દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે ગુજરાતનાં કેવડીયા કોલોની, નર્મદા ડેમમાં પાણીની આવક 4 લાખ 22 હજાર 385 ક્યૂસેક થતાં જળસપાટી 133.26 મીટરે પહોંચી છે, છેલ્લા 24 કલાકમાં પાણીની આવકમાં 2.85 મીટર જેટલો વધારો થયો છે, આ જ સ્થિતિ રહી તો આગામી બે દિવસમાં આ સપાટી 138.68 મીટરે પહોંચે એવી શક્યતા છે.
આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની સપાટી 70 ટકાને પાર; ડેમમાંથી 28,464 કયુસેક પાણી છોડાયું
પાણીની આવકના કારણે ડેમ છલકાવાની સ્થિતિ પર છે અને એ બાબતને ધ્યાનમાં લઈ નદી કિનારે આવેલાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ હોય ત્યારે એને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ગુજરાતની બાજુમાં જ આવેલા રાજ્ય મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ હોવા સાથે હજુ પણ ઉપરવાસમાં આવતા ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા અને ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી નાખી પાણી છોડાઈ રહ્યું છે. MPના ડેમોમાંથી કુલ 4.22 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે
ગુજરાતનાં કેવડીયાના સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યૂબિક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહશક્તિના 80 ટકા ભરાયો છે, એટલે ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસના (RBPH)ના તમામ ટર્બાઇનો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેના થકી રીવરબેડ પાવરહાઉસમાંથી 43,897 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે