Top Newsઅમદાવાદ

મકરસંક્રાંતિ પર પતંગરસિયાઓ માટે સારા સમાચાર: જાણો પવનની ગતિ અને હવામાનની આગાહી

અમદાવાદ: ગુજરાતીઓનો લાડકો તહેવાર એટલે મકરસંક્રાંતિ, જેની પતંગરસિયાઓ આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે મકરસંક્રાંતિ પર લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળવાની છે. એટલે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 14મી જાન્યુઆરી એટલે કે બુધવારે જ્યારે આખું ગુજરાત આકાશમાં પતંગોના પેચ લડાવશે, ત્યારે રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા હવે મધ્યમ પવન વચ્ચે પતંગબાજીની મજા બમણી થવાની આશા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રીતે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-ઉત્તર પશ્ચિમથી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફની રહેશે, જે પતંગ ઉડાડવા માટે આદર્શ માનવામાં આવે છે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જેનાથી ઠંડીમાં વધુ રાહત મળશે. સમગ્ર ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે.

જ્યારે બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પતંગરસિયાઓનો ઉત્સાહ વધારતી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે બુધવારે પવનની સ્થિતિ સારી રહેશે, જોકે પવનમાં ક્યારેક વધ-ઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને સવારે 10 વાગ્યા સુધી પવનની ગતિ 9 કિમી સુધી રહેશે, જ્યારે બપોરના સમયે તે 6 થી 7 કિમીની આસપાસ સ્થિર થઈ શકે છે. સાંજ પડતા ફરી પવનની લહેરોમાં તેજી જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 કિમી સુધી પણ પહોંચી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળશે.

રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. પોરબંદર, મહુવા અને ભાવનગર જેવા વિસ્તારોમાં પવનની ગતિ વધુ તેજ રહેશે. હવામાન નિષ્ણાંત પ્રમાણે, દરિયાકાંઠે પવનની ગતિ 13 કિમી કે તેથી વધુ હોઈ શકે છે. અમદાવાદ, ગાંધીધામ અને જામનગર જેવા શહેરોમાં સવારના સમયે પવન પતંગબાજી માટે અનુકૂળ રહેશે.

દિલ્હી-NCRનું વાતાવરણ

ગુજરાતમાં જ્યારે વાતાવરણ ખુશનુમા છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ યથાવત્ નોંધાયું હતું. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે ત્યાં ઠંડીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા હોવાથી લોકોને રાત્રિના સમયે મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો…ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button