
અમદાવાદઃ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગરમીના મોજાની આગાહી સાથે વાવાઝોડાની પણ શક્યતા દર્શાવામાં આવી છે. ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું મોજું રહેશે તેવો અંદાજ છે. બુધવારે રાજ્યના 12 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહ્યો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું મોજું
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 8મી એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. બુધવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલી, કેશોદમા 41 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, તેમજ અમદાવાદ, ડિસા, ગાંધીનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ક્યાંક તાપમાન નીચું ગયુ હતુ તો ક્યાંક તાપમાન ઊંચુ રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. ગુજરાતમાં આગામી છ દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather:રવિવારથી રાજ્યમાં ફરી ઊંચકાશે તાપમાનનો પારો, અંબાલાલે કરી છે આવી આગાહી…
હીટવેવથી બચવાના ઉપાયો
ગરમીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું. બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળો, ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાશની સાથે સાથે ફ્રૂટ જ્યુસનું સેવન કરો. કાકડી, તરબુચ, ટેટી, શેરડીનો રસ વધારે પ્રમાણમાં ઉપયોગ કરો.