ગુજરાત યુનિવર્સિટી પર ભ્રષ્ટાચારનો આરોપ! કરોડોની પ્રોપર્ટી ટેન્ડર વિના ખાનગી સંસ્થાનો આપી દીધી | મુંબઈ સમાચાર

ગુજરાત યુનિવર્સિટી પર ભ્રષ્ટાચારનો આરોપ! કરોડોની પ્રોપર્ટી ટેન્ડર વિના ખાનગી સંસ્થાનો આપી દીધી

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પર કોંગ્રેસ, એનસીયુઆઈ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. યુનિવર્સિટીએ રાઇફલ ક્લબ, ટેનિસ એકેડેમી અને કન્વેન્શન સેન્ટર જેવી કરોડો રૂપિયાની મિલકતો કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના ખાનગી સંસ્થાઓને આપી દીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાઇફલ ક્લબને ટેન્ડર વિના શા માટે આપી દેવામાં આવ્યું?

ગુજરાત યુનિવર્સિટી પર આરોપ છે કે, રાઇફલ ક્લબને સિન્ડિકેટ સભ્ય આશીષ આમીનને માત્ર કાગળના આધારે આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટ આરએચ કપાડિયા સ્પોર્ટ્સ એકેડમીને આપી દેવામાં આવ્યું છે. જે પોતાની આવકનો માત્ર 30 ટકા ભાગ જ યુનિવર્સિટીને આપે છે. જો કે, આ મામલે યુનિવર્સિટીનું કહેવું છે કે, ટેનિસ કોર્ટ યુનિવર્સિટી જાતે જ ચલાવે છે. જ્યારે એકેડમી એવો દાવો કરે છે કે, તે પોતે ટેનિસ કોર્ટનું સંચાલન કરે છે. તો હવે આમાંથી સાચુ કોણ? આખરે શા માટે આવી ગોલમાલની ગેમ રમવામાં આવી રહી છે.

આ પણ વાંચો: નેક રિપોર્ટમાં થયો ખુલાસો; ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીઓની ઘટ…

યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર મામલે પણ થયા સવાલ

વાત અહીં પૂર્ણ નથી થતી પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પણ યુનિવર્સિટી પર સવાલ કર્યાં છે. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કન્વેન્શન સેન્ટર મુદ્દે યુનિવર્સિટી પર સવાલ કર્યાં છે. તેમનું કહેવું છે કે, આ પહેલા જે ખાનગી કંપનીને આનું સંચાલન કરતી હતી તેને યુનિવર્સિટીને પૂરા રૂપિયા ચુકવ્યા નથી. જેના કારણે ગુજરાત યુનિવર્સિટીને કરોડોનું નુકસાન થયું છે. અત્યારે પણ યુનિવર્સિટી ખુદ 30 કરોડના ખર્ચે તેનું સમારકામ કરાવી રહી છે. તો સવાલ એ છે કે, જે ખાનગી કંપની કન્વેન્શન સેન્ટરનું સંચાલન કરતી હતી તેની પાસેથી શા માટે વસૂલાત કરવામાં નથી આવી? આ બધું કોની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે?

ટેન્ડર વિના જ જમીન કેવી રીતે આપી દેવાઈ?

આ સાથે સાથે કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ પણ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 250 કરોડથી વધુ કિંમતની જમીન કોઈ પણ પ્રકારના ટેન્ડર વિના 11 મહિના માટે રાધે એંટરપ્રાઇજને આપી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પાર્થિવરાજ કઠવાડિયા આ મામલે ચેતવણી આપી છે કે, જો હજી પણ આવું થતું રહ્યું તો આંદોલન કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી અનેક બાબતોને લઈને વિવાદમાં રહેતી હોય છે અત્યારે ટેન્ડર મામલે વિવાદમાં સપડાઈ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button