ખાતાકીય તપાસમાં ત્રણ મહિનાથી વધુ વિલંબ થયો તો અધિકારીઓ સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ સરકારી અધિકારી અને કર્મચારી સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના મામલે રાજ્ય સરકારે આકરૂ વલણ અપનાવ્યું છે. પ્રાથમિક અને ખાતાકીય તપાસના કેસોમાં ત્રણ મહિનામાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા માટે સરકારની સૂચના છતાં મોટાભાગના વિભાગોમાં તેનું પાલન કરાતું નથી. તેના કારણે હવે કેટલાક વિભાગ દ્વારા હવે ત્રણ મહિનાની સમય મર્યાદામાં તપાસના કેસો અંગે અહેવાલ રજૂ કરવામાં ન આવે તો તેવા કેસમાં જવાબદાર અધિકારી અને કર્મચારીની સામે નિયમાનુસાર શિસ્ત વિષયક કામગીરી કરવા નવા વર્ષે નિર્ણય લેવાયો હતો.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પડતર અને ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ નિવારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ભૂતકાળમાં સચિવોની બેઠકમાં પણ આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બાબતે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જાન્યુઆરીમાં પરિપત્ર જાહેર કર્યો છે. તે મુજબ પ્રાથમિક તપાસના કેસોમાં અહેવાલ મહત્તમ 3 મહિનામાં તમામ આધાર-પુરાવા સાથે વિભાગને મોકલી આપવાનો રહેશે. જો આ સમય મર્યાદામાં પ્રાથમિક તપાસ પૂર્ણ થઇ શકે તેમ ન હોય તો તેના કારણો સાથે મુદત વધારવા માટે વિભાગને જાણકારી આપવી પડશે.
પ્રાથમિક અને ખાતાકીય તપાસના કેસોમાં અહેવાલ કે અહેવાલ સંદર્ભે વિભાગ દ્વારા જે ખૂટતી વિગતો મંગાવવામાં આવી હોય તેની વિગતો રજૂ કરવામાં 3 માસથી વધુ વિલંબ થયો હોય તો તેના કારણો સ્પષ્ટ નોંધવા પડશે. એટલું જ નહીં વિલંબ અંગે તમામ વર્ગના તમામ અધિકારી-કર્મચારીની જવાબદારી નક્કી કરીને તેની વિગતો સાથે અહેવાલ મોકલી આપવાનો રહેશે. તપાસના કેસોમાં સમય મર્યાદામાં અહેવાલ રજૂ ન થવાના કેસોમાં જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે નિયમાનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ સ્પષ્ટ રીતે અપાઇ છે.
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું કે એક વર્ષથી વધુના પ્રાથમિક તપાસના કેસ અને ત્રણ વર્ષથી વધુના ખાતાકીય તપાસના પડતર કેસોનો પણ જાન્યુઆરી 5 થી ત્રણ મહિનામાં ફરજીયાત નિકાલ કરવાનો રહેશે. તે ઉપરાંત શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની બાબત રજીસ્ટ્રાર-સહકારી મંડળીઓ ગાંધીનગર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓની તપાસમાં પણ લાગુ પડશે.



