અમદાવાદ

ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ 48 લાખ પડાવ્યા..

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટ કરી નિર્દોશ લોકો પાસેથી મોટી રકમની ઠગાઈની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના એક યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ અરેસ્ટ કરી ઓસ્ટ્રેલિય ડોલર સહિત રૂ. 48 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી

અમદાવાદના નારણપુરા મીરા અંબિકા રોડ પર રહેતા વૃદ્ધનો એક દીકરો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહે છે. 26 ઓગસ્ટ 2025ના રોજ સિડનીમાં રહેતા દીકરાને ભારતીય નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવી યુવકના મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે હોવાનું કહી યુવકને ડરાવ્યો હતો.

ગઠિયાઓએ તપાસના નામે બેન્ક વિગતો મેળવી લીધી

સાયબર ગઠિયાઓએ યુવકને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાવવાની અને ભારત આવશે ત્યારે એરપોર્ટ પરથી જ પકડાઈ જવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણને કારણે યુવક માનસિક રીતે ડરી ગયો હતો. ગઠિયાઓએ તપાસના નામે તેની તમામ બેન્ક વિગતો મેળવી લીધી હતી અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તેના એકાઉન્ટમાંથી 25,000 ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે અંદાજે 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા યુવકે ફરિયાદ નોંધાવી

આ સાથે અમદાવાદ નારણપુરા ખાતેની એક્સિસ બેન્કમાં રહેલી યુવકની 34 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને ગઠિયાઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. એક મહિના સુધી ચાલેલી આ ‘ડિજિટલ એરેસ્ટ’ બાદ યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં સાયબર સિક્યુરિટી વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અમદાવાદની બેન્કમાંથી રકમ જતી હોવાની જાણ થતાં પિતાએ બેન્કમાં તપાસ કરતા 34 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયાનું જાણવા મળ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button