અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયા લાખોના ડોલર, પાઉન્ડ અને બીજાં વિદેશી ચલણ, ડ્રગ્સ-સાયબર ફ્રોડ સાથે કનેક્શન

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલ સ્મગલરો માટે મુશ્કેલ સ્થળ બની રહ્યું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ વિભાગની સતર્કતાને કારણે છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ અને સોનું લઈ જવાનો પ્રયાસ કરતા મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા છે. કસ્ટમ્સ એક્ટ અને ફેમા (FEMA) હેઠળ કડક કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીએ એરપોર્ટ પર ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે 14 જાન્યુઆરીના રોજ બેંગકોક જઈ રહેલી VZ-571 ફ્લાઈટના એક મુસાફર પાસેથી મોટી માત્રામાં વિદેશી કરન્સી મળી આવી હતી. એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી અમેરિકન ડોલર અને બ્રિટિશ પાઉન્ડ મળી આવ્યા હતા, જેની ભારતીય બજારમાં કિંમત અંદાજે ₹42.06 લાખ થાય છે. મુસાફર પાસે આ કરન્સીનું કોઈ બીલ ન હતું. જેથી અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આટલી મોટી રકમ કયા હેતુ માટે લઈ જવામાં આવી રહી હતી અને શું આ નાણાં નાર્કો કે સાયબર ફ્રોડ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ?
જ્યારે બીજી બાજુ કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે થાઈ લાયન એરની ફ્લાઈટ SL-213 દ્વારા બેંગકોક જઈ રહેલા બે પુરુષ મુસાફરોને અટકાવ્યા હતા. તેમની તપાસ દરમિયાન ₹44 લાખની કિંમતનું અઘોષિત વિદેશી ચલણ મળી આવ્યું હતું. આ મુસાફરો પાસેથી અમેરિકન ડોલર, બ્રિટિશ પાઉન્ડ અને ઓસ્ટ્રેલિયન ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. કસ્ટમ્સ એક્ટ, 1962 અને ફેમા હેઠળ આ મુસાફરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
એક કિસ્સામાં વિદેશથી આવતા મુસાફરને કસ્ટમ્સ વિભાગે રોકી પુછપરછ હાથ ધરી હતી. કુઆલાલમ્પુરથી એર એશિયાની ફ્લાઈટ AK-91 દ્વારા અમદાવાદ આવેલા એક મુસાફરનું પ્રોફાઈલિંગ ચેક કરતા તેના પર શંકા ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પોતાની જીન્સના ખિસ્સામાં 310.12 ગ્રામનું 24 કેરેટ સોનાનું બિસ્કિટ (બાર) છુપાવ્યું હતું. આ સોનાની બજાર કિંમત ₹44.05 લાખ આંકવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મુસાફરની અટકાયત કરી છે.
આપણ વાંચો: ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં અનેક પરિવારોમાં શોક



