Top Newsઅમદાવાદ

અમદાવાદમાં 1,500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ: ટેકનો વાયર કંપનીના ડિરેક્ટરની ધરપકડ

અમદાવાદ: શહેરમાં કરચોરીના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં અંદાજે 1500 કરોડ રૂપિયાની જંગી કરચોરી શોધી કાઢવામાં આવી છે. આ કૌભાંડમાં શહેરની એક જાણીતી ટેકનો વાયર કંપનીનું નામ બહાર આવ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે.

DGGIની તપાસના કેન્દ્રમાં અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની હતી. એજન્સીએ બાતમીના આધારે કંપનીના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા. તપાસમાં ગંભીર ગેરરીતિઓ જણાતા એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે ડેટા સાયન્સના વ્યવસાયના ઓથા હેઠળ મોટા પાયે આર્થિક છેતરપિંડી આચરવામાં આવી રહી હતી.

પ્રાથમિક વિગતો મુજબ પ્રભાત સોમાણીએ માત્ર કાગળ પર જ નાણાકીય વ્યવહારો બતાવીને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કર્યા હતા. આ ખોટા બિલના આધારે ગેરકાયદે ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવતી હતી. ટેકનોલોજી અને ડેટા સર્વિસના નામે આચરવામાં આવેલું આ કૌભાંડ એટલું વ્યવસ્થિત હતું કે તે લાંબા સમય સુધી વહીવટી તંત્રની નજરમાં આવ્યું નહોતું, પરંતુ DGGIની સતર્કતાએ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

હાલમાં આરોપી પ્રભાત સોમાણીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે. તપાસ એજન્સીને આશંકા છે કે 1,500 કરોડ જેવી માતબર રકમની કરચોરીમાં માત્ર એક વ્યક્તિનો હાથ ન હોઈ શકે. આ કૌભાંડના તાર અન્ય કયા વ્યવસાયીઓ કે રાજકીય વગ ધરાવતા લોકો સાથે જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button