રાપરમાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો; ગામવાસીઓએ આ રીતે જીવ બચાવ્યો

ભુજ: કચ્છ જીલ્લાના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતને સાર્થક બનાવતો કિસ્સો બન્યો હતો. વાડી વિસ્તારમાં રમતા-રમતા 9 વર્ષનું બાળક 100 ફુટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયું હતું, જો કે ગ્રામજનોએ ગામઠી સુઝબુઝ વાપરીને મજબૂત દોરડાંની મદદ વડે બાળકને હેમખેમ બહાર કાઢ્યો હતો, આમ બાળકનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ખેત મજુર પરિવારનો રાકેશ તેના મિત્રો સાથે ગામના વાડી વિસ્તારમાં રમવા માટે ગયો હતો. રમતા રમતા બાળકો પથ્થરથી ઢાંકવામાં આવેલા બોરવેલ પાસે પહોંચ્યા હતાં, બોરવેલની અંદર શું છે એ જોવાની ઉત્સુકતાથી રાકેશ બોરવેલની નજીક ગયો અને કોઈ રીતે અંદર પડી ગયો. ગભરાયેલા મિત્રોએ પરિવાજનોને રાકેશ બોરવેલમાં પડી ગયો હોવા અંગેની જાણ કરી, ખેતરમાં મજૂરી કરી રહેલા પરિવારજનો સહીત આખા ગામ જનો બોરવેલ પાસે પહોંચ્યા હતાં.
ગ્રામજનોએ સંયમ દાખવીને ભયના માર્યા રડી રહેલા રાકેશને સાંત્વના પાઠવીને તેને શાંત કર્યો હતો. રાકેશ સુરક્ષિત હોવાની ખાતરી થતાં ગ્રામજનોએ એક મજબૂત દોરડું બોરવેલમાં નાખ્યું અને રાકેશને દોરડાને મજબૂતાઈથી પકડવા માટે સૂચના આપી. ગ્રામજનોએ ધીમે ધીમે રાકેશને સલામત રીતે બહાર કાઢ્યો. આ રીતે રાકેશનો ચમત્કારિક બચાવ થયો.
બોરવેલમાં પડી જતાં રાકેશના એક પગનું હાડકું ભાંગી ગયું હતું અને રાકેશના શરીર પર સમાન્ય ઉઝરડા સિવાય કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી. આમ આ ઘટનામાં ‘રામ રાખે તેને કોણ ચાખે’નો કહેવત સાર્થક ઠરે.