IFFCO માંથી જયેશ રાદડિયાનું પત્તુ કપાશે, ભાજપે આ નેતાના નામનું મેન્ડેટ ઈશ્યૂ કર્યું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે, રાજ્યમાં ભાજપ વિરૂધ્ધ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પાર્ટીનો આંતરિક વિખવાદ પણ સામે આવી રહ્યો છે. ભાજપના કેટલાક નેતાઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે, જેમ કે જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે પાર્ટીમાં જ એક વર્ગ તેમની સામે ખટપટ ચલાવી રહ્યો છે, આ બાબતની પ્રતિતી IFFCOની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વએ લીધેલા પગલા પરથી જાણવા મળે છે.
આગામી તા. 9 મેના રોજ ઈફ્કોની યોજાનાર ચૂંટણી માટે ભાજપે જયેશ રાદડિયાના બદલે અમદાવાદના ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કર્યો છે. બીપીન પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચાઓ છે.
આ અંગે દિલિપ સંઘાણીએ જણાવ્યું કે આ ચૂટણીમાં મેન્ડેટ હોતો નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. ઉપરાંત અમદાવાદથી બીપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.
આપણ વાંચો: ભાજપે ગુજરાતની તમામ સીટો માટે ઉમેદવારો કર્યા ફાઈનલ, નવી યાદીમાં આ 6 નેતાઓના નામ જાહેર
ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં જયેશ રાદડિયા ઈફ્કોમાં ડિરેક્ટર છે અને તેઓ બીનહરીફ ચૂંટાયા હતા જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે.
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. આ સામે સ્થાનિક સહકારી અગ્રણીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા.
જો કે આજે અમિત શાહની હાજરીમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિ વચ્ચે જયેશ રાદડિયાના નિવાસસ્થાને થયેલી ચર્ચાવિચારણા બાદ શું નવા જૂની થશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આજની જયેશ રાદડિયાના નિવાસસ્થાને થયેલી એક કલાકની મુલાકાત જયેશ રાદડિયાના વિરોધી જૂથ માટે ચિંતાનો વિષય બની ગઈ હોય એવું હાલ જણાઈ રહ્યું છે.