અનાજ વિતરણમાં ગેરરીતિ અટકાવવા સરકાર એક્શનમાં: ગોડાઉન પર તોલમાપ માટે બનાવ્યા નવા નિયમ…

અમદાવાદ: રાજ્યના સસ્તા અનાજની દુકાનદારો અને કાર્ડધારકો દ્વારા લાંબા સમયથી વજનમાં ઘટ અને અપૂરતા જથ્થા અંગે કરવામાં આવતી ફરિયાદોનો અંત લાવવા ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે હવે ગોડાઉન સ્તરેથી જ જથ્થાનું વજન સુનિશ્ચિત કરવા માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકી છે.
સીસીટીવી કેમેરાની દેખરેખમાં થશે તોલમાપ
હવેથી ગોડાઉન પરથી રેશનિંગનો જથ્થો (ઘઉં, ચોખા, દાળ, ખાંડ વગેરે) દુકાનદારોને સોંપતા પહેલા તેમની હાજરીમાં જ તોલીને આપવામાં આવશે. જાન્યુઆરી મહિનાથી અમલી બનેલી આ પદ્ધતિમાં સમગ્ર તોલમાપની પ્રક્રિયા સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

જો કોઈ બેગ ફાટેલી, લીક થતી કે ઓછા વજન વાળી જણાશે, તો તે દુકાનદારને આપવામાં આવશે નહીં, તેના બદલે દુકાનદારને બીદી બેગ આપવામાં આવશે. ગોડાઉન ઉપરાંત જ્યારે જથ્થો રેશનિંગની દુકાને પહોંચશે, ત્યારે ત્યાં પણ સ્થાનિક તકેદારી સમિતિની હાજરીમાં જ માલ ઉતારવાની સૂચના અપાઈ છે.
શા માટે આ નિર્ણય લેવો પડ્યો?
અત્યાર સુધી એવી ફરિયાદો વ્યાપક હતી કે કાગળ પર દર્શાવેલું વજન અને વાસ્તવિક જથ્થો અલગ-અલગ હોય છે. ગોડાઉનમાંથી જ ઓછું વજન મળવાને કારણે અંતે સામાન્ય જનતાને (રેશનકાર્ડ ધારકોને) અન્યાય થતો હતો અને દુકાનદારો પર માછલાં ધોવાતા હતા. બેગ ફાટેલી હોવાથી થતી ઘટની જવાબદારી પણ દુકાનદારો પર આવી જતી હતી.
નવી પદ્ધતિ મુજબ, જે દુકાનદારો સમયસર નાણાં ભરે છે તેમને ક્રમશઃ ગોડાઉન પર બોલાવી અધિકારીઓની હાજરીમાં સચોટ વજનની ખાતરી કરાવવામાં આવશે. આ પારદર્શક પ્રક્રિયાથી વજન અને ગુણવત્તા બંને બાબતે થતી ગેરરીતિઓ પર અંકુશ આવશે તેવી સરકારને અપેક્ષા છે.



