આપણું ગુજરાતમહારાષ્ટ્ર

ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસઃ રાષ્ટ્રપતિએ આગવી રીતે નાગરિકોને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિકોને આગવા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેમ જ બંન્ને રાજ્યના લોકો દેશના વિકાસમાં અસરકારક યોગદાન આપવાનું ચાલુ રાખશે તેવી આશા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર હિન્દી અને ગુજરાતીમાં પોસ્ટમાં લખ્યું હતું કે ગુજરાત દિવસ નિમિત્તે તમામ દેશવાસીઓને અને ખાસ કરીને ગુજરાતી ભાઇઓ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ. ગુજરાતના મહેનતુ, પ્રતિભાશાળી અને સાહસિક લોકોએ સમગ્ર વિશ્વમાં રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત એ વિકાસના ઘણા માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકો દેશના વિકાસમાં અસરકારક યોગદાન આપવાનું ચાલુ રાખશે. તે બધાને ઉજ્જવળ ભવિષ્ય માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.

અન્ય એક સંદેશમાં મુર્મુએ તમામ દેશવાસીઓને ખાસ કરીને મહારાષ્ટ્રના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ ભૂમિ જે છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ અને કાર્યસ્થળ હતું, તેણે દેશને જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઇ ફૂલે, તારાબાઇ શિંદે અને બાબાસાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓ આપી છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર હિન્દી અને મરાઠીમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકો દેશની પ્રગતિમાં સતત અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. હું ઇચ્છું છું કે મહારાષ્ટ્રના લોકો દેશની વિકાસયાત્રામાં નવા માપદંડો સ્થાપિત કરે. રાજ્યના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી હાર્દિક શુભેચ્છાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની રચના ૧મે, ૧૯૬૦ના રોજ ભાષકીય આધાર પર બોમ્બે રાજ્યના વિભાજન બાદ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button